મારા ડૉગીને સ્ત્રીઓ જ પસંદ છે, પુરુષોને ધિક્કારે છે

14 April, 2021 08:34 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ત્રાસદાયક શ્વાનથી છૂટવાની પ્રામાણિક કબૂલાત સાથે મહિલાએ આપી એને દત્તક લેવાની ઍડ

ટિફની ફૉર્ચ્યુના ત્રાસદાયક શ્વાન સાથે

જે રીતે લગ્ન માટેની જાહેરાતોમાં કન્યા કે મુરતિયાના અપલખણનો ઉલ્લેખ કરવામાં આવતો નથી એ રીતે પાળેલાં પશુઓ કોઈક કારણસર અન્યોને સોંપવાની જાહેરાતોમાં પણ ડૉગી કે બિલાડા સાવ ડાહ્યાંડમરાં અને દેખાવમાં વહાલસોયાં દેખાતાં હોય એવી વાતો લખવામાં આવે છે. સ્વાભાવિક રીતે જ એવા પશુની જ ડિમાન્ડ હોય છે, પરંતુ તાજેતરમાં સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર ટિફની ફૉર્ચ્યુના નામની એક મહિલાએ તેનો ચિહુઆહુઆ પ્રેન્સર જાતિનો ડૉગી કંટાળાજનક અને ત્રાસદાયક હોવાનું ચોખ્ખું લખીને ‘કોઈ તેને અડૉપ્ટ કરવા તૈયાર હોય તો આવો’ એવું લખવામાં આવ્યું છે. એ પોસ્ટ વાંચીને ટિફનીને તેના ડૉગીનો કોઈ લેવાલ મળ્યો કે નહીં એની ખબર નથી, પરંતુ ફેસબુકની એ પોસ્ટને ૫૭,૦૦૦થી વધારે લોકોએ શૅર કરી અને ૩૪,૦૦૦થી વધારે રીઍક્શન્સ મળ્યાં છે.

ફેસબુક-પેજ પર જાહેરાતમાં ટિફની ફૉર્ચ્યુનાએ પ્રામાણિકતાથી લખ્યું હતું કે ‘સાવ હટેલા દિમાગવાળા, પ્રાણીઓ, માણસો અને બાળકોને ધિક્કારતા અને તોફાની ભાંગફોડિયા શ્વાનને બજારમાં કોઈ સ્થાન ન હોય એ હું સમજી શકું છું, પરંતુ આ પ્રેન્સર ડૉગીને અપનાવનાર કોઈક તો સજ્જન વ્યક્તિ હશે એવું હું માનું છું. આ પ્રેન્સર જાડિયોપાડિયો સ્વેટર પહેરીને મારી પાસે આવ્યો હતો. એ જ વખતે મારે સમજી જવાની જરૂર હતી કે એ મારે માટે સમસ્યા ઊભી કરશે. આ ડૉગીને ફક્ત સ્ત્રીઓ જ ગમે છે. એ એક વખત ૬ મહિના એક પુરુષ સાથે રહ્યો અને હજી સુધી એ બધા પુરુષોને ધિક્કારે છે. છેલ્લે એણે એ ડૉગી જે અડૉપ્શન સેન્ટર પર ઉપલબ્ધ છે, એનું નામ-સરનામું લખ્યું છે.’

offbeat news international news washington