લગ્ન પહેલાં વે‌ડિંગનો ત્રણ મહિનાનો કોર્સ અનિવાર્ય

30 November, 2019 08:40 AM IST  |  Mumbai

લગ્ન પહેલાં વે‌ડિંગનો ત્રણ મહિનાનો કોર્સ અનિવાર્ય

પ્રતિકાત્મક સ્ટુડિયો

ઇન્ડોનેશિયામાં ૨૦૨૦ની સાલથી પ્રી-વે‌ડિંગ કોર્સ ફરજિયાત કરવામાં આવશે. સમાજમાં લગ્ન કરવા એ મૂળભૂત સા‌માજિક અધિકાર ગણાય છે અને લગભગ દરેક દેશમાં અમુક પુખ્ત વયની મર્યાદા પછી લગ્ન કરવાની છૂટ મળે છે. જોકે ઇન્ડોનેશિયામાં હવે માત્ર તમે લગ્નને લાયક થઈ ગયા છો કે નહીં એ નક્કી કરવા માટે માત્ર ઉંમરનું પ્રમાણપત્ર જ નહીં ચાલે. તમે લગ્ન માટે લાયક બની શકો એ માટે ખાસ કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે જે તમામ લગ્નોત્સુકોએ કરવાનો રહેશે. જકાર્તા પોસ્ટમાં છપાયેલા એક અહેવાલ મુજબ તો એવું પણ કહેવાય છે કે જે વ્યક્તિ આ કોર્સ પછી લેવાતી પરીક્ષામાં નાપાસ થશે તેનો લગ્નનો અધિકાર છીનવાઈ જશે. સરકારનું કહેવું છે કે લગ્ન કરવાની ઇચ્છા બધાને જ હોય છે, પરંતુ પરિવાર સંભાળવો એ જવાબદારીનું કામ છે અને એ જવાબદારી ઉઠાવવા તમે તૈયાર છો કે નહીં અને ન હો તો એ માટે વિધિસર શીખવવા માટે કોર્સ કરાવવામાં આવે એ જરૂરી છે. લગ્ન પછી જીવનમાં આવનારા બદલાવો સાથે કઈ રીતે ડીલ કરવું, સ્વાસ્થ્યનું ધ્યાન કઈ રીતે રાખવું, બાળકોની દેખભાળ કઈ રીતે રાખવી અને અંગત જીવનમાં કમ્યુનિકેશન કેવું રાખવું જેથી દાંમ્પત્યજીવન સુખી રહે જેવી બાબતો પણ કોર્સમાં આવરી લેવામાં આવશે. ઇન્ડોનેશિયામાં આવું કંઈ પહેલી વાર નથી થઈ રહ્યું. આ પહેલાં પણ સ્વાસ્થ્યવિભાગ દ્વારા લગ્નલાયક ઉંમરના યુવક-યુવતીઓને ટ્રેઇનિંગ આપવામાં આવતી હતી, પરંતુ હવે આ નિયમ આખા દેશમાં લાગુ પાડવામાં આવ્યો છે.

indonesia hatke news offbeat news