આ મીણના પૂતળાને પીગળવા માટે અહીં મૂકવામાં આવ્યું છે

28 September, 2020 07:14 AM IST  |  Orlando | Gujarati Mid-day Correspondent

આ મીણના પૂતળાને પીગળવા માટે અહીં મૂકવામાં આવ્યું છે

મીણનું પૂતળું

ક્લાઇમેટ ચેન્જનાં કેવાં ભયાવહ પરિણામ આવી શકે છે એ બતાવવા માટે અમેરિકાના ફ્લૉરિડાના ઓરલૅન્ડો શહેરના સિટી હૉલની બહાર એક મીણનું પૂતળું મૂકવામાં આવ્યું છે, જેમાં દાદા પોતાના પૌત્ર સાથે આઇસક્રીમ ખાઈ રહ્યા છે. ગરમીની કેવી અસર થઈ રહી છે એવું લોકોને સમજાવવા માટે સીએલઈઓ નામની સંસ્થા દ્વારા આ કરવામાં આવ્યું છે. આ પૂતળું એક સપ્તાહ સુધી ટકશે. જોકે એના પીગળવાની શરૂઆત થઈ ગઈ છે. સ્થાનિક ન્યુઝ એજન્સીના ડૉ. એના લિઝામાએ કહ્યું હતું કે ‘સામાન્ય રીતે ઓરલૅન્ડો શહેરમાં વર્ષે લગભગ બાવીસ દિવસ માટે તાપમાન ૧૦૦ ડિગ્રી ફૅરનહાઇટ (૩૭.૭૭ સેલ્સિયસ) સુધી જાય છે, પરંતુ ૨૦૫૦ સુધીમાં આ દિવસો ત્રણ સપ્તાહને બદલે ત્રણ મહિના થઈ જશે.

લોકો સ્વીકારે કે ન સ્વીકારે, પરંતુ ક્લાઇમેટ ચેન્જ એક વાસ્તવિકતા છે. પૃથ્વીનું તાપમાન વધવાને કારણે ઍન્ટાર્કટિકામાં બરફ પીગળી રહ્યો છે. વિશ્વના ઘણા નેતાઓ હવે આ વાતને ગંભીરતાથી લઈ રહ્યા છે, પરંતુ ટ્રમ્પ આ વાતને બહુ મહત્ત્વ આપતા નથી, જે સમગ્ર વિશ્વ માટે ખતરા સમાન છે. લોકો પોતાની નજરે વાતાવરણમાં વધતા તાપમાનના વધારાને જોઈ શકે અને જાગ્રત થાય એ માટે આ પ્રયોગ કરવામાં આવ્યો છે.

orlando offbeat news hatke news international news