ઉકળતો સૂપ ફાટ્યો અને વેઇટ્રેસના મોંને દઝાડી ગયો

23 May, 2019 12:33 PM IST  |  કુન્મિંગ

ઉકળતો સૂપ ફાટ્યો અને વેઇટ્રેસના મોંને દઝાડી ગયો

સૂપ ફાટ્યો

શીર્ષક વાંચીને તમને સવાલ થયો હશે કે સૂપ કઈ રીતે ફાટે? સવાલ વાજબી છે. જોકે ચીનની એક રેસ્ટોરાંમાં આવું બન્યું છે. વાત એમ હતી કે કુન્મિંગ ટાઉનમાં હૈદીલાઓ રેસ્ટોરાંમાં આ ઘટના બની હતી. હૉટ પૉટ નામની ચાઇનીઝ વાનગી માટે જાણીતા આ રેસ્ટોરાંમાં ભૂલથી સૂપના મોટા સર્વિંગ બોલમાં કસ્ટમરનું લાઇટર પડી ગયું. વેઇટ્રેસે મોટા બે કડછાની મદદથી સૂપમાંથી લાઇટર કાઢવાની મશક્કત કરી. જોકે એ વખતે સૂપની નીચે ઇલેક્ટ્રિક સગડી ચાલી રહી હતી અને સૂપ ઊકળી રહ્યો હતો. ગરમ લિક્વિડ અને લાઇટરમાં જ્વલનશીલ પદાર્થની હાજરી અને એમાં પાછું કડછો અથડાયો એટલે લાઇટર ફાટ્યું અને સૂપ બધો જ ઊછળીને વેઇટ્રેસના મોંને દઝાડી ગયો. બાજુમાં બેઠેલા કસ્ટમર પર પણ થોડાક છાંટા ઊડ્યા. આ ઘટના રેસ્ટોરાંના કૅમેરામાં કેદ થઈ ગઈ છે. વેઇટ્રેસનો ચહેરો બહુ ખરાબ રીતે દાઝી ગયો હતો અને એની હજી સારવાર ચાલી રહી છે. મૂળે હૉન્ગ કૉન્ગની અને ચીન સહિત વિશ્વભરમાં ૩૦૦થી વધુ આઉટલેટ ધરાવતી હૈદીલાઓ રેસ્ટોરાંએ આ ઘટના કઈ રીતે ઘટી એની તપાસ બેસાડી છે.

આ પણ વાંચો : યુદ્ધમાં પગ ગુમાવી ચૂકેલા સૈનિકે ૫૦૫ કિલો વજન ઉઠાવીને બનાવ્યો રેકૉર્ડ


offbeat news