કચરાપેટીએ ખોલી કિસ્મત, શાકવાળો લૉટરીની ટિકિટથી રૂપિયા એક કરોડ જીતી ગયો

07 January, 2020 12:23 PM IST  |  Kolkata

કચરાપેટીએ ખોલી કિસ્મત, શાકવાળો લૉટરીની ટિકિટથી રૂપિયા એક કરોડ જીતી ગયો

પ્રતીકાત્મક તસવીર

કોણ ક્યારે અચાનક અમીર બની જાય એનું કાંઈ નક્કી નહીં. આવું જ કાંઈક થયું કલકત્તાના એક શાકવાળા સાથે. આ શાકવાળો લૉટરીની ટિકિટથી રૂપિયા એક કરોડ જીતી ગયો છે. કલકત્તાના ડમડમ વિસ્તારમાં શાકની દુકાન ચલાવતા સાદિકે નવા વર્ષે નાગાલૅન્ડ લૉટરીની પાંચ ટિકિટ ખરીદી હતી. બીજી જાન્યુઆરીએ લૉટરીની જાહેરાત થઈ ત્યારે સાદિક સાથે શાક વેચતા કેટલાક દુકાનદારોએ તેને કહ્યું કે મને કોઈ ઈનામ નથી લાગ્યું.

લૉટરીનાં ઇનામની જાહેરાત થયા બાદ કેટલાક લોકોએ તેને કહ્યું કે તને કદી ઇનામ લાગવાનું નથી. એ સાંભળીને હતાશ સાદિકે ટિકિટ કચરાપેટીમાં ફેંકી દીધી હતી. બીજા દિવસે સવારે તે બજારમાં ખરીદી કરવા ગયો ત્યારે લૉટરી વેચનાર દુકાનદારે તેને ટિકિટ વિશે પૂછ્યું અને કહ્યું તને એક કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું છે.

દુકાનદારની વાત સાંભળીને સાદિક ઘરે પહોંચ્યો અને પત્ની અમીનાને આખી વાત જણાવી. સાદિક અને અમીનાએ તરત જ કચરાપેટીમાં ટિકિટ શોધવાનું શરૂ કર્યું. બહુ મહેનત બાદ ટિકિટ મળી ત્યારે બન્ને ઘણાં ખુશ થઈ ગયાં હતાં. સાદિકે ખરીદેલી પાંચ ટિકિટમાંથી એક પર એક કરોડ અને બાકીની ચાર ટિકિટ પર ૧-૧ લાખ રૂપિયાનું ઇનામ લાગ્યું હતું.

આ પણ વાંચો : આ એક સિટી ટ્રી 275 વૃક્ષો જેટલો ઑક્સિજન આપે છે

સાદિકે બાળકો માટે એક એસયુવી બુક કરાવી છે. એ સિવાય હવે તે તેનાં બાળકોને સારી સ્કૂલમાં ભણાવવા ઇચ્છે છે. અમીનાએ કહ્યું કે અમે ખૂબ ખુશ છીએ અને હવે અમે પૈસાની રાહ જોઈ રહ્યાં છીએ. કહેવાય છે કે સાદિક અને તેની પત્નીને આ રકમ ૨-૩ મહિનામાં મળી જશે.

kolkata offbeat news hatke news