શાકાહારી મગર કેરળના મંદિરમાં પહોંચી ગયો, પણ...

23 October, 2020 06:39 AM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

શાકાહારી મગર કેરળના મંદિરમાં પહોંચી ગયો, પણ...

શાકાહારી મગર કેરળના મંદિરમાં પ્રવેશ્યો

નવરાત્રિમાં કેરળના કાસારગોડસ્થિત અનંતપુરા મંદિરમાં અનોખી ઘટના બની હતી. ગયા મંગળવારે એક શાકાહારી મગર મંદિરમાં પહોંચ્યો હતો. એ વખતે મુખ્ય પૂજારી ચંદ્રપ્રકાશ નંબીસને કરેલી વિનંતીને માન આપીને એ મગર મંદિરમાંથી બહાર નીકળી ગયો હતો. બાબિયા નામના એ મગરની મંદિરની અંદરની તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. કાસારગોડમાં અનંતપુરા ખાતે અનંતપદ્‍મનાભ સ્વામીનું મંદિર બરાબર તળાવની વચ્ચોવચ છે. ૭૦ વર્ષથી મંદિરના પરિસરમાંના તળાવમાં રહેતા મગર બાબિયા (મીઠા પાણીના મગરનું આયુષ્ય ૭૦થી ૧૦૦ વર્ષ હોય છે)એ ક્યારેય જંગલી કે હિંસક પ્રકારનું વર્તન કર્યું હોવાનું એ વિસ્તારના લોકોના ધ્યાનમાં આવ્યું નથી.

ગયા મંગળવારે એ મગર મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચી ગયો હતો. એ વખતે મુખ્ય પૂજારી ચંદ્રપ્રકાશ નંબીસને તેને પોતાના સ્થાયી નિવાસસ્થળે જતા રહેવાની વિનંતી કરી હતી. વિનંતી કર્યા બાદ તરત એ મગર પાછો ફર્યો હતો. રોજ મંદિરમાં પૂજા થયા પછી પ્રસાદ વહેંચવામાં આવે છે. બાબિયા એ શાકાહારી પ્રસાદ ખાઈને પેટ ભરે છે. પૂજારી બોલાવે ત્યારે જ એ તળાવમાંથી બહાર આવે છે. મગર સામાન્ય રીતે માછલાં, ઉંદર વગેરે પ્રાણીઓનો આહાર કરતા હોય છે, પરંતુ આ મગર કેવી રીતે સંપૂર્ણ શાકાહારી રહે છે એ સૌને માટે આશ્ચર્યનો વિષય છે. ભક્તો માને છે કે ભગવાને મંદિરના રક્ષણની જવાબદારી બાબિયાને સોંપી છે.

kerala offbeat news hatke news national news