બોલો, ભાઈએ કોવિડ-19 હેલ્પલાઇન પર ફોન કરીને સમોસાં મગાવ્યાં

01 April, 2020 07:26 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

બોલો, ભાઈએ કોવિડ-19 હેલ્પલાઇન પર ફોન કરીને સમોસાં મગાવ્યાં

એક વ્યક્તિએ કોવિડ-19 હેલ્પલાઇન પર ફોન કરીને ચાર સમોસાંનો ઑર્ડર આપ્યો

ઉત્તર પ્રદેશના રામપુરમાં એક વ્યક્તિએ કોવિડ-19 હેલ્પલાઇન પર ફોન કરીને ચાર સમોસાંનો ઑર્ડર આપ્યો. કટોકટીના સમય માટેની હેલ્પલાઇન પર આવી વાહિયાત માગણી કરીને સમય બરબાદ કરવાની ચેષ્ટા કરવા છતાં અધિકારીઓએ મગજ શાંત રાખ્યું. આ વ્યક્તિએ સમોસાંની માગણી ચાલુ રાખતાં કોવિડ-19 હેલ્પલાઇને તેને સમોસાં તો મોકલ્યાં, પણ એ પછી સાથે સાથે ઇમર્જન્સી હેલ્પલાઇનનો વિચાર્યા વિના ઉપયોગ કરવા બદલ વિશેષ ભેટરૂપે સજા પણ કરી. રામપુરના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ અંજનેય કુમારે તેમના સત્તાવાર ટ્વિટર-હૅન્ડલ પર આ ઘટના પોસ્ટ કરી છે તેમ જ લોકોને આ પ્રકારે હેલ્પલાઇનનો દુરુપયોગ ન કરવાની વિનંતી કરી હતી જે વાઇરલ થઈ રહી છે. પહેલી ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે ‘ચાર સમોસાં મોકલો એવું કહેતો ફોન આવ્યો હતો. ચેતવણી આપ્યા પછી આખરે મોકલવાં પડ્યાં. જોકે અનાવશ્યક કામ માટે હેલ્પલાઇનનો દુરુપયોગ કરવા બદલ આ ભાઈ પાસે નાલીની સફાઈ કરાવવામાં આવી હતી.’

આ સાથે નાલી સાફ કરતો ફોટો પણ મૂકવામાં આવ્યો હતો. ૨૯ માર્ચે કરાયેલી આ પોસ્ટ પછી આ ટ્વીટને ૧૮,૭૦૦ લાઇક્સ મળી છે તથા એને ૫૪૦૦ વખત રીટ્વીટ કરાઈ છે. લોકોએ આ ટ્વીટ પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

એક ટ્વિટર-યુઝરે ‘જેવા સાથે તેવા’ કહીને આ શિક્ષાને સપોર્ટ કર્યો હતો, જ્યારે અન્ય ટ્વિટર-યુઝરે રસ્તા પર અકારણ ફરવા માટે બહાર નીકળનારાઓ માટે પણ આવી જ કોઈક સજા કરવાનું સૂચન કર્યું હતું.

offbeat news hatke news national news coronavirus covid19 uttar pradesh