થાઇલૅન્ડની કોઈ હોટેલ માટે નેગેટિવ કમેન્ટ કરતાં પહેલાં બે વાર વિચાર કરજો

06 October, 2020 07:17 AM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

થાઇલૅન્ડની કોઈ હોટેલ માટે નેગેટિવ કમેન્ટ કરતાં પહેલાં બે વાર વિચાર કરજો

થાઇલૅન્ડની હોટેલ

થાઇલૅન્ડમાં અંગ્રેજીના શિક્ષક વેસ્લી બાર્ન્સે બે દિવસ જેલમાં પસાર કરવા પડ્યા છે અને એનું કારણ એ છે કે તેમને અદાલત હજી ૭ વર્ષ કેદની સજા ફરમાવે એવી શક્યતા છે. આવી સજા શા માટે, તેનો શો વાંક-ગુનો? એવો સવાલ કોઈને પણ થાય તો ચાંગ ટાપુ પરના ચાંગ રિસૉર્ટ વિશે સોશ્યલ મીડિયા પર નકારાત્મક અભિપ્રાય લખવાને કારણે વેસ્લી બાર્ન્સે આટલું બધું સહન કરવું પડી રહ્યું છે. વેસ્લીએ ચાંગ રિસૉર્ટમાં જિનની બૉટલ મગાવી અને રિસૉર્ટવાળાએ એ બૉટલ માટે ૧૧૦૦ રૂપિયા જેટલી રકમ કોર્કેજ-ફી તરીકે માગી.

વેસ્લીએ કાઉન્ટર પર કોર્કેજ ફી બાબતે દલીલ કરી ત્યારે રિસૉર્ટના મૅનેજર કોર્કેજ -ફી નહીં લેવા માટે સંમત થયા હતા. વેસ્લી એ તબક્કે શાંત થઈ ગયો હોત તો તેને ઝાઝું નુકસાન ન થયું હોત, પરંતુ કોર્કેજ-ફી ન લીધી હોવા છતાં વેસ્લીએ ચાંગ રિસૉર્ટની ટીકા કરતો અભિપ્રાય સોશ્યલ મીડિયા પર લખ્યો હતો. એ અભિપ્રાયને કારણે વેસ્લી મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. તેણે શિક્ષકની નોકરી ગુમાવી અને જેલમાં પણ જવું પડ્યું. રિસૉર્ટના મૅનેજમેન્ટે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતાં તેણે બે દિવસ જેલમાં રહેવું પડ્યું. વેસ્લી ૨.૨૩ લાખ રૂપિયા જેટલી સ્થાનિક ચલણની રકમના જામીન પર બે દિવસ પછી છૂટી શક્યો હતો. એ ઉપરાંત રિસૉર્ટના મૅનેજમેન્ટે નેગેટિવ રિપોર્ટ બદલ માંડેલા બદનક્ષીના દાવામાં અદાલત વેસ્લીને ૭ વર્ષ કેદની સજાનું ફરમાન પણ કરી શકે છે.  

thailand offbeat news hatke news international news