બિલ્ડિંગથી માત્ર 50 સેન્ટિમીટરના અંતરે બ્રિજ બંધાઈ રહ્યો છે ઇજિપ્તમાં

21 May, 2020 09:37 AM IST  |  Egypt | Gujarati Mid-day Correspondent

બિલ્ડિંગથી માત્ર 50 સેન્ટિમીટરના અંતરે બ્રિજ બંધાઈ રહ્યો છે ઇજિપ્તમાં

હાઇવે બ્રિજ

આપણે ભારતમાં સરકારી અને સુધરાઈની યોજનાઓમાં ગરબડ ગોટાળાની સતત ચર્ચા કરતા રહીએ છીએ અને દરેક ચર્ચાને અંતે ‘આવું તો ફક્ત ભારતમાં જ થાય, બીજા દેશોમાં આવું ન બને’ એવો તકિયા કલામ પણ લોકો ઉચ્ચારે છે. પરંતુ ઇજિપ્તની રાજધાની કૈરોમાં આવશ્યક યોજના તરીકે મંજૂર કરવામાં આવેલો હાઇવે બ્રિજ રહેણાકનાં મકાનોથી માંડ દોઢેક મીટરના અંતરે બાંધવામાં આવ્યો છે. માર્ગો બાંધવા માટે રસ્તાના કિનારા અને બાંધકામો કે મકાનોથી ચોક્કસ અંતર રાખવાના રાષ્ટ્રીય નિયમો-કાયદા અને આંતરરાષ્ટ્રીય સ્તરે માર્ગદર્શક રૂપરેખાઓ કે સૂચનાઓ હોય છે. સામાન્ય સુરક્ષાની દૃષ્ટિએ પણ બાંધકામોથી રસ્તા અને ખાસ કરીને ધોરીમાર્ગોના બાંધકામ માટે સ્વયંસ્ફુરિત શિસ્તની પણ અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ કૈરોમાં આ રીતે હાઇવે બ્રિજ બંધાતાં આશ્ચર્ય સાથે જબ્બર વિવાદ જાગ્યો છે.

કૈરોના અલ હરમ ઉપનગરમાં રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સને અડોઅડ બંધાયેલા બ્રિજની બાબતમાં એવું બન્યું છે કે સત્તાવાળાઓએ બ્રિજની ડિઝાઇન અને યોજનાને સંબંધિત દરેક તંત્ર-વિભાગની મંજૂરી મળી હોવાનું જણાવ્યું છે. વળી બિલ્ડિંગ્સ કેટલીક પરવાનગીઓ વગર બંધાયાં હોવાથી એ બિલ્ડિંગ્સના તોડકામનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. લગભગ 1.20 અબજ રૂપિયાના ખર્ચે બંધાઈ રહેલો આ બ્રિજ માળખાકીય સુવિધાઓની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ હોવાનું સ્થાનિક સરકારી અધિકારીઓ કહે છે.

egypt offbeat news hatke news international news