દૃષ્ટિ નથી છતાં ૪૫૦ ફુટ ઊંચી ઉડાન ભરી:વિશ્વનો પહેલો બ્લાઇન્ડ ક્લાઈમ્બર

06 December, 2019 09:37 AM IST  |  UK

દૃષ્ટિ નથી છતાં ૪૫૦ ફુટ ઊંચી ઉડાન ભરી:વિશ્વનો પહેલો બ્લાઇન્ડ ક્લાઈમ્બર

જુઓ આ ભાઈનું સાહસ

બ્રિટનના જેસી ડફ્ટને સ્કૉટલૅન્ડમાં આવેલી ઑલ્ડ મૅન ઑફ હૉય નામની સીધી ચટ્ટાન પર રૉક-ક્લાઇમ્બિંગ કર્યું હતું. આ પહાડી આમ તો જસ્ટ ૪૫૦ ફુટ ઊંચો છે અને છતાં જેસીના આ કારનામાંની નોંધ લેવાઈ છે. એનું કારણ એ છે કે જેસીભાઈ પોતે જોઈ નથી શકતા. જેના માટે એક ડગલું પણ લાકડીના સહારા વિના શક્ય ન હોય અને નજર સામે કાળુંડિબાંગ અંધારું હોય એવી કોઈ વ્યક્તિ જ્યારે કોઈ વ્યક્તિ ઊંચા પહાડ પર ક્લાઇમ્બિંગ કરવાનું સપનું સેવે અને પૂરું કરે એ કાબિલેદાદ જ કહેવાય. જેસીને આંખ નહોતી, પરંતુ તેની ગર્લફ્રેન્ડ મૉલી થૉમ્પ્સને તેને વૉઇસ-કમાન્ડ્સ આપીને તેના ચડાણમાં ક્યાં કેવી રીતની ચૅલૅન્જ છે એ વિશે સતેજ કર્યા હતા. જેસીએ હેડસેટ પહેર્યો હતો જેના દ્વારા મૉલી થૉમ્પ્સનનો અવાજ તેના સુધી પહોંચતો હતો. જેસી જ્યારે જન્મ્યો ત્યારે એનું વિઝન માત્ર ૨૦ ટકા જેટલું હતું, પણ ધીમે-ધીમે કરતાં એમાં પણ ઓટ આવવા લાગી અને હવે તો તેને માત્ર ૧ ટકા જેટલું જ વિઝન રહ્યું છે. એને કારણે તેને બીજું કશું જ દેખાતું નથી, પરંતુ પ્રકાશનું કિરણ કઈ દિશામાંથી આવી રહ્યું છે એનો આભાસ માત્ર થાય છે. સાવ જ ન ગણ્ય કહેવાય એવા વિઝન સાથે ૪૫૦ ફુટનું ચઢાણ પૂરું કરતાં જેસીને સાત કલાક લાગ્યા હતા. જેસી અને તેની ગર્લફ્રેન્ડ બન્ને ૨૦૦૪ની સાલથી રૉક-ક્લાઇમ્બિંગ કરતા આવ્યા છે. લાલ રેતાળ પથ્થરથી બનેલી આ પહાડી એકદમ અંતરિયાળ વિસ્તારમાં છે અને નજીકમાં જ સમુદ્ર પણ છે. આ પહાડ પર રૉક-ક્લાઇમ્બ કરનાર જેસી પહેલી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ છે.

offbeat news hatke news