જાણો કેમ આ ભાઈએ 36 દિવસમાં 4000 કિલોમીટરનો સાઇકલ-પ્રવાસ કર્યો

30 September, 2020 07:48 AM IST  |  Yemen | Gujarati Mid-day Correspondent

જાણો કેમ આ ભાઈએ 36 દિવસમાં 4000 કિલોમીટરનો સાઇકલ-પ્રવાસ કર્યો

36 દિવસમાં 4000 કિમી સાઈકલ પ્રવાસ કર્યો આ ભાઈએ

અમેરિકાવાસી રુબેન લોપેઝ નામના નાગરિકે યમનની કટોકટીને કારણે સ્થાનિક નાગરિકોની ગરીબી અને અન્ય મુશ્કેલીઓના નિવારણ માટે ભંડોળ એકઠું કરવા બાઇસિકલ પર ૪૦૦૦ કિલોમીટરથી વધારે અંતરનો પ્રવાસ કર્યો છે. લોપેઝ તેના અભિયાન માટે ૫૦૦૦ કિલોમીટરનો પ્રવાસ પૂરો કરવા ઇચ્છે છે. રુબેન લોપેઝ તેના અભિયાન માટે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર તેના હૅન્ડલ @rubydrummrનો ઉપયોગ કરે છે. રુબેને વૉશિંગ્ટનના પૂ પૂ પૉઇન્ટથી ઓહાયોની પી પી ક્રીક સુધીના પ્રવાસ દરમ્યાન લીધેલી અમેરિકાનાં અંતરિયાળ ગામડાંઓની તસવીરો પોસ્ટ કરીને તેના ટ્વિટર-હૅન્ડલ પર પ્રવાસનું દસ્તાવેજી વર્ણન કર્યું છે.

૪૦૦૦ કિલોમીટરના પ્રવાસમાં રુબેને તેના લક્ષ્યાંકરૂપ ૫૦૦૦ ડૉલર (અંદાજે ૩.૭૦ લાખ રૂપિયા)ની પ્રાપ્તિ કરી લીધી છે છતાં તે ૫૦૦૦ કિલોમીટરના પ્રવાસનો લક્ષ્યાંક પૂરો કરવા ઇચ્છે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ હેઠળ આપવામાં આવતી સહાય કોરોના રોગચાળાના આરંભ વેળા ઘટાડવાનો નિર્ણય લેવાયો હતો. યમન દેશમાં ૨.૨૦ કરોડ લોકો ભૂખમરા જેવી સ્થિતિ વેઠી રહ્યા છે. ૮૫,૦૦૦ બાળકો કુપોષણથી મૃત્યુ પામી ચૂક્યાં છે. એવા સંજોગોમાં યમન રિલીફ ઍન્ડ રિકન્સ્ટ્રક્શન ફન્ડ માટે રુબેન લોપેઝે યાત્રા શરૂ કરી છે.

yemen offbeat news hatke news international news