ખબર છે આ છે એકલપેટુ વૃક્ષ, એને વંશવેલો વધારવાની ઉત્સુકતા પણ નથી થતી

11 July, 2020 07:43 AM IST  |  South Africa | Gujarati Mid-day Correspondent

ખબર છે આ છે એકલપેટુ વૃક્ષ, એને વંશવેલો વધારવાની ઉત્સુકતા પણ નથી થતી

આ છે એકલપેટુ વૃક્ષ

બ્રિટનના ક્યુ સ્થિત બોટનિકલ ગાર્ડનમાં હજારો વૃક્ષો, વેલા, છોડવામાં અનેક પ્રકાર છે. એમાં એક પ્રકાર સાયકાડ એટલે કે તાડ-ખજૂરીના સાયકાડ કુળના પ્રકારોમાંથી એક એન્સેફેલાર્તોસ વુડી પણ છે. મૂળ સાઉથ આફ્રિકાના નાતાલ-ક્વાઝુલુ પ્રાંતના ઝુલુ લૅન્ડમાંથી લાવવામાં આવેલું એ ઝાડ એકાંતપ્રિય છે. જે રીતે વડની વડવાઈઓ ફેલાતાં નવાં વૃક્ષો બને અને આંબા પરથી કેરીઓ પડે કે કેરી ખાધા પછીની ગોટલીઓને કારણે નવા આંબા ઊગે એ રીતે જાંબુ, બોર અને અન્ય વૃક્ષો પણ ઊગે અને ફેલાય છે. બીજ વડે કે કલમ વડે ઊગતાં ઝાડ-વૃક્ષોનો સરળતાથી પ્રસાર થાય છે, પરંતુ એન્સેફેલાર્તોસ વુડી એ રીતે વંશવેલો વધારવા ઉત્સુક હોતું નથી.

૧૮૯૫માં બોટનિસ્ટ જૉન મેડલી વુડને સાઉથ આફ્રિકાના નાતાલ-ક્વાઝુલુ પ્રાંતના ઝુલુલૅન્ડમાં ઢાળવાળી જમીન પર અનેક થડ તથા વાંકડિયં પાન ધરાવતાં વૃક્ષો જોવા મળ્યાં હતાં. વિવિધ પ્રકારનાં વૃક્ષો, છોડ, વેલા ઉછેરીને વેચવાના વ્યવસાય દ્વારા આજીવિકા ચલાવતા જૉન મેડલી વુડે નાના કદનું એક વૃક્ષ ડાળીઓ કાપીકૂપીને લંડનના જીવવિજ્ઞાનીઓને મોકલ્યું હતું. એ વૃક્ષ રૉયલ બોટનિકલ ગાર્ડન્સના પામહાઉસમાં પહોંચ્યું છે. કહેવાય છે કે ૨૦ કરોડ વર્ષ પૂર્વે ડાઇનાસૉર પૃથ્વી પર હતાં ત્યારે મુખ્યત્વે તાડ સહિત કેટલાક પ્રકારનાં વૃક્ષોનું અસ્તિત્વ હતું. પૃથ્વી પરનાં વૃક્ષ-વનસ્પતિઓમાં તાડ અને એની વિવિધ જાતિઓનાં વૃક્ષોનું પ્રમાણ ૨૦ ટકા હોવાનું જીવવિજ્ઞાનીઓનું અનુમાન છે. એ ઝાડની નીચે ડાઇનાસૉર્સ આરામ કરતાં હોવાનું કહેવાય છે. યુગો વીતી ગયા છતાં જીવંત જાતિનાં વૃક્ષોનું જીવશાસ્ત્રીઓ માટે ઘણું મહત્વ છે.

offbeat news hatke news south africa international news