આ છે દુનિયાની સૌથી સુંદર ડેરી અને વર્ષે પાંચેક લાખ પર્યટકોને આકર્ષે છે

29 August, 2020 07:30 AM IST  |  Germany | Gujarati Mid-day Correspondent

આ છે દુનિયાની સૌથી સુંદર ડેરી અને વર્ષે પાંચેક લાખ પર્યટકોને આકર્ષે છે

આ છે દુનિયાની સૌથી સુંદર ડેરી

દર વર્ષે જર્મનીના ડ્રેસ્ડનની ફન્ડ્સ મોલ્કેરેઇ નામની ડેરી-શૉપની મુલાકાતે પાંચ લાખથી વધારે પર્યટકો જાય છે, કારણ કે મહેલ જેવી ભવ્ય સજાવટ ધરાવતી એ ડેરી-શૉપ દુનિયાની સૌથી સુંદર ડેરી-શૉપ તરીકે વખણાય છે. એ ડેરી-શૉપમાં વિલરૉય ઍન્ડ બૉશ કંપનીની સિરૅમિક ટાઇલ્સ વપરાઈ છે. એ ટાઇલ્સ પર સ્થાનિક ચિત્રકારોએ રચેલા નિયો રેનેસાં સ્ટાઇલનાં હૅન્ડ-પેઇન્ટિંગ્સ છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સે ૧૯૯૮માં મોસ્ટ બ્યુટિફુલ ડેરી-શૉપ તરીકે એ સ્થાનની નોંધ લીધી હતી.

આ ડેરી-શૉપનો ઇતિહાસ પણ રસપ્રદ છે. ૧૮૭૯માં જર્મનીના રિનહોલ્ડશેઇનનો ખેડૂત પૉલ ડ્રેસ્ડનમાં રહેવા આવ્યો હતો. એ વખતે સાથે તેણે પાળેલાં ભૂંડ અને ગાયો પણ હતાં. તે એવી જગ્યાએ રહેતો હતો કે રાહદારીઓ ગાયોને દોહીને વેચાણ માટે દૂધ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે એ પ્રક્રિયા જોઈ શકે. બીજા વર્ષે પૉલનો ભાઈ ઍક્ટર ફ્રેડરિક ફન્ડ્સ એ બિઝનેસમાં જોડાયો. બન્નેએ ડ્રેસ્ડનર જેબ્રુડર ફન્ડ ડેરી નામે પેઢી સ્થાપી હતી. ૧૮૯૩માં ફ્રેડરિક મૃત્યુ પામ્યા પછી પૉલના બે દીકરા ધંધામાં જોડાયા. એ બે છોકરાઓએ બ્રૅન્ડને ખૂબ આગળ વધારી. શરૂઆતમાં દિવસમાં ૧૫૦ લિટર દૂધનું પ્રોસેસિંગ કરનારી કંપનીમાં ૧૯૩૦ સુધીમાં રોજ ૬૦,૦૦૦ લિટર દૂધનું પ્રોસેસિંગ કરવામાં આવતું હતું. જર્મનીમાં કન્ડેન્સ્ડ મિલ્કના ઉત્પાદનનો આરંભ કરનારી ફન્ડ્સ મોલ્કેરેઇ કંપનીએ ૧૯૫૦ પૂર્વેના ગાળામાં મિલ્ક સોપ અને બેબી ફૉર્મ્યુલાનું ઉત્પાદન શરૂ કરીને વિશ્વમાં ખ્યાતિ મેળવી હતી. એ ડેરી-શૉપનું હાલનું મકાન ૧૮૯૧માં બંધાયું હતું. આ નસીબદાર પેઢીનું મકાન બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ડ્રેસ્ડન પર બૉમ્બ ફેંકાયા એ વખતે નખશિખ બચી ગયું હતું. ત્યાર પછી એ ડેરી-શૉપ ૧૯૭૮માં બંધ પડી અને ૧૯૯૫માં એના દરવાજા ફરી ખૂલ્યા હતા. એ વખતથી ત્યાં પર્યટકોનો ધસારો વધ્યો છે.

germany offbeat news hatke news