આ ભાઈ સ્પાઇડરમૅન જેવાં કપડાં પહેરીને લાગી પડે છે કચરો સાફ કરવા

12 February, 2020 07:46 AM IST  |  Indonesia

આ ભાઈ સ્પાઇડરમૅન જેવાં કપડાં પહેરીને લાગી પડે છે કચરો સાફ કરવા

સ્પાઇડરમૅન

ઇન્ડોનેશિયામાં સફાઈની કામગીરીનું વ્યવસ્થિત તંત્ર નથી. ખાસ કરીને પ્લાસ્ટિકનો કચરો સીધો નદી અને દરિયામાં ઠલવાતો હોય છે. એ દેશના કાંઠાળ ક્ષેત્રમાં વસતા લોકોને સ્વચ્છતા માટે સમજાવવા સ્થાનિક કૅફેના કર્મચારી રૂડી હર્તોનો તનતોડ પ્રયાસ કરી ચૂક્યો છે. રસ્તા પર વિખેરાયેલો કચરો ઉપાડવાની તકેદારી રાખવા અને ફરજ સમજીને નિષ્ઠાપૂર્વક એ કામ કરવાનું સમજાવવા રૂડી હર્તોનોએ સ્પાઇડરમૅનનો ભૂરા રંગનો વેશ પહેરવો પડ્યો હતો. સૌથી વધારે વસ્તીમાં વિશ્વમાં ચોથા ક્રમે આવતો દેશ ઇન્ડોનેશિયા દર વર્ષે ૩૨ લાખ ટન કચરો પેદા કરે છે.

સ્પાઇડરમૅનનો કૉસ્ચ્યુમ પહેર્યા પછી સ્વચ્છતાના આગ્રહ અને એ સંદેશમાં પ્રચાર-પ્રસાર માટે લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકાયું હોવાનું ૩૬ વર્ષના રૂડી હર્તોનોએ જણાવ્યું હતું. કૅફેનું કામકાજ સાંજે ૭ વાગ્યે શરૂ થાય એ પહેલાં હર્તોનો સ્પાઇડરમૅનના વેશમાં કચરો ભેગો કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. નાના-નાના ૧૭,૦૦૦ ટાપુઓનો દ્વીપસમૂહ ઇન્ડોનેશિયા વિશ્વમાં પ્લાસ્ટિકનો કચરો પેદા કરવામાં ચીન પછી બીજા ક્રમે છે.

indonesia offbeat news hatke news