આ મગર નેપાલથી 1100 કિલોમીટરનો પ્રવાસ કરીને બંગાળ સુધી પહોંચ્યો

28 May, 2020 07:27 AM IST  |  Nepal | Gujarati Mid-day Correspondent

આ મગર નેપાલથી 1100 કિલોમીટરનો પ્રવાસ કરીને બંગાળ સુધી પહોંચ્યો

મગર

મગરમચ્છ પાણી અને જમીન પર પણ રહી શકે એટલે એ દ્વિચર તરીકે ઓળખાય, પરંતુ મુખ્યત્વે જળચર મનાય છે. રાતે નદી કે તળાવના કાંઠે મગર સૂતા હોય અને ક્યારેક માનવ વસાહતોમાં નીકળે તો ભયનું વાતાવરણ ફેલાય છે. મગર રખડપટ્ટી કરનારા અને દૂર દેશાવર ફરનારાં પ્રાણીઓમાં ગણાતાં નથી. પરંતુ તાજેતરમાં સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ- ઇન્ડિયાએ નેપાલથી ૧૧૦૦ કિલોમીટરનો પ્રવાસ કરીને આવેલા મગરનો ફોટોગ્રાફ પોસ્ટ કર્યો છે. માછલીનો આહાર કરતો આ મગરમચ્છ દુર્લભ પ્રજાતિનો છે. એવો એક મગર નેપાલના જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો. એ મગર તાજેતરમાં પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં મળ્યો હતો. આટલો લાંબો એટલે કે ૧૧૦૦ કિલોમીટરનો પ્રવાસ પૂરો કરતાં એ મગરને ૬૧ દિવસ લાગ્યા હતા. જીવશાસ્ત્રના અભ્યાસુ નિષ્ણાતોએ મગરની પૂંછડી પર નિશાન કર્યાં હોવાથી એને ઓળખવામાં સરળતા પડી હતી. ટ્‌િ‍વટર પર બે દિવસ પહેલાં મુકાયેલા આ ફોટોગ્રાફની નીચે સેંકડો કમેન્ટ્સ લખવામાં આવી હતી. હિન્દીમાં ઘડિયાલ તરીકે ઓળખાતા મગરની અમુક જાતિઓ સંશોધનનો વિષય બની છે. જોકે આ જાતિના મગરે લાંબો પ્રવાસ કર્યાનો આ પ્રથમ કિસ્સો નથી. ૨૦૧૫માં અન્ય એક મગરે ૨૩૪ દિવસોમાં ૧૦૦૦ કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો.

nepal bengal offbeat news hatke news national news