સાંકળથી બાંધેલું આ ઓકનું ઝાડ પર્યટકોમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર

26 June, 2020 07:11 AM IST  |  Britain | Gujarati Mid-day Correspondent

સાંકળથી બાંધેલું આ ઓકનું ઝાડ પર્યટકોમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર

ઓકનું ઝાડ

બ્રિટનની સ્ટેફર્ડશર કાઉન્ટીના અલ્ટન ગામમાં સાંકળે બાંધેલું ઓક વૃક્ષ જોવાનું સહેલાણીઓને ઘણું આકર્ષણ છે. એ વૃક્ષ અને એને સાંકળે બાંધવા પાછળની કથા વિશેષ રસપ્રદ છે. એ દંતકથા સ્ટેફર્ડશર કાઉન્ટીમાં મશહૂર છે. એ દંતકથા એવી છે કે ૧૮૩૦ના દાયકામાં સ્થાનિક શાસક અર્લ ઑફ શ્રુબરી અલ્ટન ટાવર એસ્ટેટમાં તેના ઘર તરફ જતા હતા ત્યારે એક ભિક્ષુક મહિલાએ તેમનો કાફલો રોકીને એક-બે ચલણી સિક્કાની ભીખ માગી હતી. અર્લ ઑફ શ્રુબરીએ એ મહિલાની ક્રૂરતાભરી હાંસી ઉડાડતાં તેની બગ્ગી હંકારનારા સારથિને વાહન દોડાવી જવા કહ્યું હતું. એ વખતે પેલી ભિક્ષુક મહિલાએ અર્લને શાપ દીધો કે આ રસ્તાના કાંઠા પરના ઓક વૃક્ષ પરથી જ્યારે એક ડાળ પડશે ત્યારે તારા ઘરની એક વ્યક્તિનું મોત થશે.

એ જ રાતે આવેલા વાવાઝોડામાં એ સુંદર ઓક વૃક્ષની એક ડાળી પડવાની સાથે અર્લના પરિવારની એક વ્યક્તિ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામી હતી. એ અનુભવથી અર્લ ઑફ શ્રુબરી હચમચી ગયો હતો. એથી ભવિષ્યમાં એ વૃક્ષની વધુ ડાળીઓ ન પડે એ માટે આખા ઝાડને લોખંડની સાંકળ વડે બાંધી લેવાનો આદેશ અર્લ ઑફ શ્રુબરીએ તેના નોકરોને આપ્યો હતો. જોકે દંતકથાઓ જુદા-જુદા પ્રકારની છે. એક કથામાં શાપ આપનાર ભિક્ષુક પુરુષ હોવાનું કહેવાય છે. બીજી કથામાં અર્લ પેલી તૂટી પડેલી ડાળી એની એસ્ટેટમાં લઈ જઈને શાપને રદબાતલ કરાવવાના જાતજાતના પ્રયોગો કરે છે. જોકે શાપની મૂળ વાત દરેક વાયકામાં યથાવત્ છે. જોકે આશ્રર્યની વાત એ છે કે ભારત પર શાસન કરતી વેળા ભારતીયોને અંધશ્રદ્ધાળુ અને તર્કહીન કહેતા અંગ્રેજોના પોતાના દેશમાં આ દંતકથા કે લોકવાયકાને માની લેનારાઓની સંખ્યા નાનીસૂની નથી. અર્લ ઑફ શ્રુબરીએ જ એ વૃક્ષને સાંકળોમાં બાંધ્યું હોવાની વાત માનનારાઓની સંખ્યા મોટી છે.

offbeat news hatke news international news