‍ચોરી કરવા ઘૂસેલા ચોરને એસીની ઠંડકમાં મસ્ત ઊંઘ આવી ગઈ

20 September, 2020 07:42 AM IST  |  Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

‍ચોરી કરવા ઘૂસેલા ચોરને એસીની ઠંડકમાં મસ્ત ઊંઘ આવી ગઈ

પ્રતીકાત્મક તસવીર

ગયા અઠવાડિયે આંધ્ર પ્રદેશના ઈસ્ટ ગોદાવરી જિલ્લામાં એક પેટ્રોલ પમ્પના માલિક સત્તી વેન્કટ રેડ્ડીના ઘરમાં ચોરી કરવા ગયેલો બાબુ નામનો ચોર એક રૂમમાં ઊંઘી ગયો હતો. ઘમાં ચાલતા ઍરકન્ડિશનરની ઠંડકને કારણે બાવીસ વર્ષના બાબુની આંખો ઘેરાવા માંડી અને તે સૂઈ પણ ગયો. બાબુ પરોઢિયે ૪ વાગ્યે સત્તી વેન્કટ રેડ્ડીના ઘરમાં ઘૂસ્યો ત્યારે માલમતા ચોરી લીધા પછી તેને એવું લાગ્યું કે એકાદ ઝોકું ખાઈ લીધા પછી બહાર નીકળી જવામાં વાંધો નહીં આવે. એથી તે ઘરના માલિકના બેડની નીચે ભરાઈને આડે પડખે થયો, પરંતુ ઍરકન્ડિશનરને કારણે તે ઘસઘસાટ ઊંઘી ગયો હતો. અચાનક રૂમમાંથી નસકોરાનો અવાજ સાંભળીને રેડ્ડીસાહેબ સવારે સાડાસાત વાગ્યે જાગી ગયા હતા. અજાણ્યો માણસ પલંગની નીચે હોવાનું ધ્યાનામાં આવતાં તેમણે બેડરૂમ બહારથી બંધ કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસ ટીમ ત્યાં પહોંચી ત્યારે બાબુ ચોરે બારણું અંદરથી બંધ કરી દીધું હતું. પોલીસે બહારથી મોટે-મોટેથી બોલીને ખૂબ સમજાવ્યા પછી બાબુએ બારણું ખોલ્યું હતું. બારણું ખોલ્યા પછી બાબુએ કરુણ કથા સંભળાવી હતી. બાબુના માથે દેવાનો બોજ હતો. મીઠાઈના સ્ટૉલ પર કામ કરીને થતી સાધારણ કમાણી દ્વારા તે દેવું ચૂકવી શકે એમ નહોતો એથી ચોરી કરવાનો રસ્તો અપનાવ્યો હતો. પહેલી જ ચોરીમાં બાબુએ ધંધાદારી ચોર નહીં હોવાનો પુરાવો આપી દીધો હતો.

andhra pradesh offbeat news hatke news national news