વાઘ સાથે દોસ્તી કરીને ફેમસ થયેલી રશિયન બકરી મૃત્યુ પામી

11 November, 2019 10:54 AM IST  |  Russia

વાઘ સાથે દોસ્તી કરીને ફેમસ થયેલી રશિયન બકરી મૃત્યુ પામી

વાઘની દોસ્ત બકરીનું થયું મોત

વાઘ સાથે દોસ્તી થતાં આખા રશિયામાં મશહૂર થઈ ગયેલી તિમુર નામની બકરી થોડા દિવસ પહેલાં મૃત્યુ પામી. રશિયાના વ્લાદિવોસ્તોક સફારી પાર્કના ડિરેક્ટર દમિત્રી મેઝનેત્સેવે જણાવ્યું હતું કે ‘પાંચેક વર્ષની એ બકરીને દફનાવવામાં આવી હતી. ૨૦૧૫માં એને આકસ્મિક રીતે સાઇબિરિયન વાઘ સાથે દોસ્તી થઈ હતી. તાજેતરમાં એ વાઘ સાથે ઝઘડો થયા પછી બકરી તિમુરની તબિયત કથળવા માંડી હતી.’
હકીકત એમ હતી કે તિમુરને ખરેખર તો સાઇબિરિયન વાઘ ‘અમુર’ના ખોરાક તરીકે સફારી પાર્કમાં મોકલવામાં આવી હતી. ૨૦૧૫માં બકરી તિમુરને વાઘ અમુરના પાંજરામાં ધકેલવામાં આવી ત્યારે એ નિર્ભયતાથી ત્યાં ઊભી રહી ગઈ હતી. એ નીડરતાને કારણે તિમુર અને અમુર વચ્ચે અજીબોગરીબ દોસ્તી થઈ ગઈ. એ દોસ્તી એટલી પાકી થઈ ગઈ હતી કે બન્ને એક પાંજરામાં સાથે સૂતાં, સાથે રમતાં અને સાથે જમતાં. સમય વીતતાં તિમુરની હિંમત વધી અને એ અમુરને પડકારવા માંડી. ૨૦૧૬ના જાન્યુઆરી મહિનામાં વાઘ માટે બકરીનું વર્તન અસહ્ય બન્યું ત્યારે એણે બકરીને ઊંચા ટેકરા પરથી ધકેલી દીધી હતી. એકાદ મહિના પહેલાં બકરી તિમુરે વાઘ અમુર સાથે જોરદાર ઝઘડો કર્યો હતો. એ જોઈને સફારી પાર્કવાળાએ બન્નેને છૂટાં પાડી દીધાં. જોકે આ ઘટના પછી બકરીની તબિયત બગડી હતી અને રહસ્યમય બીમારીને કારણે થોડા દિવસ પહેલાં એ મૃત્યુ પામી.
વાઘ અને દીપડાનો અભ્યાસ કરતા મેઝનેત્સેવે જણાવ્યું હતું કે આવા વિરોધી સ્થિતિનાં જાનવરોની દોસ્તી ચમત્કાર અને ઈશ્વરનો પરસ્પર સ્નેહ જાળવવાના સંદેશરૂપ ઘટના હતી.

offbeat news hatke news