જપાનના આ બિલ્ડિંગની નીચેથી હાઇવે પસાર થાય છે

02 August, 2020 08:00 AM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

જપાનના આ બિલ્ડિંગની નીચેથી હાઇવે પસાર થાય છે

આ બિલ્ડિંગની નીચે હાઇવે

જપાનમાં અનેક ઊંચાં ઑફિસ બિલ્ડિંગ્સ છે, જેમાંથી એક ગેટ ટાવર બિલ્ડિંગ છે. જોકે આ બિલ્ડિંગની વિશેષતા એ છે કે એની નીચેથી હાઇવે પસાર થાય છે, જેના પર વાહનોની વણજાર દોડી રહી છે. ૧૬ માળ ઊંચી ઇમારતોમાં સામાન્ય રીતે હાઇવે પસાર થતા નથી, પરંતુ ગેટ ટાવર બિલ્ડિંગમાંથી થઈ રહ્યો છે અને હાઇવેના ટ્રાફિકની બિલ્ડિંગમાંની ઑફિસમાં કામ કરતા લોકોને અસર કરતો નથી. બિલ્ડિંગની બહારની બાજુએથી લિફ્ટ પસાર થાય છે તેમ જ એ હાઇવે ટાવરને સ્પર્શતો નથી.

બિલ્ડિંગની નીચેથી હાઇવે પસાર થવા પાછળ પણ એક કહાણી છે. પાંચ વર્ષ સુધી ચાલેલા કાનૂની ખટલા બાદ અહીં ઊંચો ટાવર અને એ ટાવરની નીચેથી હાઇવે કાઢવાનો વિકલ્પ લેવામાં આવ્યો હતો. ૧૯૮૩માં રીડેવલપમેન્ટનો સમય આવ્યો ત્યારે જપાનની સરકારે આ પ્લૉટ પર એક્સપ્રેસવે બનાવવાની યોજના બનાવેલી. એને કારણે પ્લૉટના ‌માલિકને રીડેવલપમેન્ટની મંજૂરી ન મળી. સરકારે અનેક રીતે માલિકને સમજાવવાની કોશિશ કરી, પણ માલિક કેમેય માન્યો નહીં. કોઈ પણ કાળે જમીનમાલિકે પ્લૉટ છોડવાની ના પાડતાં અંતે પાંચ વર્ષ જેટલો લાંબો સમય વિવાદ ચાલ્યા બાદ અધિકારીઓએ એનો જે ઉકેલ સૂચવ્યો એને પગલે આ અજાયબ બિલ્ડિંગમાંથી પસાર થતા હાઇવેનો ઉદ્ભવ થયો હતો. તેમણે જણાવ્યું કે પ્રૉપર્ટીના માલિકો તેમનો માલિકી હક જાળવી રાખે અને એમાંથી હાઇવેને પસાર થવાની મંજૂરી આપે અને હાઇવેનો માલિક એટલે કે જપાનની સરકાર પલૉટના માલિકને એનું ભાડું ચૂકવે. આ ટાવરના આઠમા માળે જઈને હાઇવે પરથી પસાર થતો ટ્રાફિક જોઈ શકાય છે.

japan offbeat news hatke news