દસ વર્ષનો છોકરો ખેતી કરીને એકલો જ રહે છે

30 November, 2019 08:34 AM IST  |  Vietnam

દસ વર્ષનો છોકરો ખેતી કરીને એકલો જ રહે છે

10 વર્ષનો બાળકે છે સ્વાવલંબી

વિયેટનામના એક ગામમાં ડાન્ગ વાન ખુયેન નામનો દસ વર્ષનો છોકરો હાલમાં પોતાની દાદીના ઘરમાં એકલો જ રહે છે. વાત એમ છે કે તે પોતાના તમામ પરિવારજનને ગુમાવી ચૂક્યો છે. તે જ્યારે ખૂબ નાનો હતો ત્યારથી તેની દાદી સાથે રહેતો હતો અને તેના પિતા નોકરી અને કામ અર્થે શહેરમાં સ્થળાંતર કરી ગયેલા. એક અકસ્માતમાં તેના પિતા ગુજરી ગયા એ પછી તેની મા બીજા ગામમાં રહેતા કોઈ યુવક સાથે પરણી ગઈ. ડાન્ગ તેની દાદી સાથે જ રહી ગયો. જોકે તે હજી સમજણો થાય એ પહેલાં તો દાદીમા પણ ગુજરી ગયાં. તેણે પોતાની દાદીનું જોઈને ઘરની આસપાસની જમીનમાં શાકભાજી ઉગાડવાનું શરૂ કરી દીધું.થોડાક દિવસ બીજાના ખેતરમાં જઈને મજૂરી પણ કરી આવતો. ઘરે રાંધવા માટે જંગલમાંથી સૂકું લાકડું એકઠું કરવા પણ તે ભટકતો જોવા મળે છે અને જાતે ચૂલો સળગાવીને કાચુંપાચું રાંધીને ખાવાનું પણ તે જાતે જ કરે છે. દસ વર્ષની કુમળી વયે જ્યારે સ્કૂલે જવાના અને બાળપણ માણવાના દિવસો હોય ત્યારે ડાન્ગની દુનિયા જ સાવ જુદી છે. કોઈ બીજું ફૅમિલી તેને દત્તક લેવા માગતું હોવા છતાં તે નથી ઇચ્છતો કે તે કોઈ પરિવાર સાથે જોડાય. લાકડાના ઘરમાં તે રહે છે, એને વાળીચોળીને સાફ રાખવું, ખેતી કરવી અને જરૂરિયાતપૂરતું ચૂલા પર રાંધીને ખાવું એમાં જ તેને સુખ અનુભવાય છે. ગામના લોકોએ તેને અનાથાશ્રમમાં મોકલવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પણ ડાન્ગભાઈ એ વખતે પણ મક્કમ રહીને પોતાના જ ઘરે એકલા રહેવાની વાત પર અડગ રહ્યા. તેનું કહેવું છે કે તે પોતાની કાળજી જાતે રાખી શકે એમ છે. તેની ટીચર ક્યારેક તેને મદદ કરવા અને માર્ગદર્શન કરવા તેના ઘરે આવે છે.

offbeat news hatke news vietnam