છત્તીસગઢના ગોંડ આદિવાસીની ઝૂલતી વાંસળીએ કુતૂહલ જગાવ્યું

01 March, 2021 09:36 AM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Correspondent

છત્તીસગઢના ગોંડ આદિવાસીની ઝૂલતી વાંસળીએ કુતૂહલ જગાવ્યું

ગોંડ આદિવાસી મણિરામ મંડાવી

આદિવાસી રીતિરિવાજ, ઔષધ પદ્ધતિ અને કલા સંસ્કૃતિ મનમોહક અને રસપ્રદ હોવાનાં ઢગલાબંધ ઉદાહરણ છે. છત્તીસગઢ રાજ્યના ઓરછા પ્રાંતમાં વસતા ગોંડ આદિવાસી મણિરામ મંડાવીએ અનેક પ્રયોગ અને સંશોધન પછી રચેલી ઝૂલતી વાંસળી સૌને માટે કુતૂહલનો વિષય બની છે. છિદ્રોમાંથી વહેતી હવા પસાર થતાં સૂરમય સંગીત સંભળાવતી વાંસળી ઇન્ટરનેટ પર ઘણી લોકચાહના મેળવી રહી છે. રેમન મૅગ્સેસે અવૉર્ડ વિજેતા પત્રકાર પી. સાઈનાથના સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પરના પેજ ‘પીપલ્સ આર્કાઇવ ઑન રૂરલ ઇન્ડિયા’ પર એ બાબતના બે વિડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે.

એ વાંસળી (સ્વાભાવિક રીતે વાંસની બનેલી) બે કાર્યોમાં ઉપયોગી છે, એ સંગીત ઉપરાંત પશુઓને હટાવવામાં પણ ઉપયોગી થાય છે. રસ્તામાં આડાં આવતાં, ખેતરમાં ઘૂસી જતાં કે પછી નૃત્ય-સંગીત શીખવા સાથે પ્રેમપ્રસંગોના પ્રશિક્ષણ-અનુભવ માટે ‘ઘોટુલ’માં જતા જુવાનિયાઓને નડતાં રખડુ પશુઓને દૂર રાખવામાં આ વાંસળી ઘણી ઉપયોગી થાય છે.

એક વિડિયોમાં આ વિષય સમજાવતાં સ્થાનિક આદિવાસી મંદારસિંહ મંડાવી કહે છે કે હું એ વાંસળી અને એના સંગીતની પ્રસ્તુતિ માટે જપાનનો પ્રવાસ કરી આવ્યો છું. બીજા વિડિયોમાં મંદારસિંહ આંખોમાં આંસુ સાથે જંગલ કપાતાં જોઈને દુઃખ વ્યક્ત કરે છે. તેઓ કહે છે, ‘જંગલ કપાશે તો વાંસ નહીં મળે. વાંસ નહીં મળે તો વાંસળી કેવી રીતે બનશે? ન ઉગેગા બાંસ ન બનેગી બાંસુરી.’

offbeat news chhattisgarh national news