...તો આવી રીતે 6 વર્ષના છોકરાએ જૂનો લૂંટનો કેસ ઉકેલવામાં મદદ કરી

24 May, 2020 11:04 AM IST  |  South Carolina | Gujarati Mid-day Correspondent

...તો આવી રીતે 6 વર્ષના છોકરાએ જૂનો લૂંટનો કેસ ઉકેલવામાં મદદ કરી

6 વર્ષના છોકરાએ જૂનો લૂંટનો કેસ ઉકેલવામાં મદદ કરી

અમેરિકાના સાઉથ કૅરોલિનામાં ૬ વર્ષના છોકરાએ તળાવના તળિયેથી સેફ વૉલ્ટ કાઢીને ૧૦ વર્ષ જૂનો લૂંટનો કેસ ઉકેલવામાં પોલીસને મદદ કરી હતી. જૉન્સ આઇલૅન્ડના રહેવાસી ૬ વર્ષના નોક્સ બ્રુઅરે કોરોના રોગચાળાના લૉકડાઉનના દિવસોમાં સમય પસાર કરવા માટે મૅગ્નેટ ફિશિંગનો શોખ વિકસાવ્યો હતો. રોજ તળાવને કાંઠે બેસીને લોહચુંબક વડે તળાવને તળિયે પડેલી લોખંડ જેવી ધાતુની વસ્તુઓ ખેંચીને બહાર કાઢતો હતો. થોડા દિવસ પહેલાં નોક્સ બ્રુઅર તેના મૅગ્નેટ વડે તળાવમાંથી વસ્તુ કાઢવાના પ્રયાસ કરતો હતો ત્યારે તેનું મૅગ્નેટ કાદવમાં ફસાયેલી કોઈ મોટા કદ અને વજનની વસ્તુને ચોંટી ગયું હતું. નોક્સે રસ્તેથી પસાર થતા માણસની મદદથી એ વસ્તુને બહાર ખેંચી કાઢી હતી. બહાર કાઢતાં કાદવના ગંદવાડમાં લપેટાયેલું કબાટ એટલે કે સેફ ડિપોઝિટ વૉલ્ટ મળ્યું હતું. કબાટમાં માટી અને કાદવમાં ખરડાયેલા દાગીના-ઝવેરાત, ક્રેડિટ કાર્ડ્સ અને ચેકબુક્સ મળ્યાં હોવાનું લોકલ ટીવી ન્યુઝ ચૅનલના વિડિયોમાં જોવા મળ્યું હતું. બાળક નોક્સ બ્રુઅરના પિતા જોનાથને પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતાં એ કબાટ તળાવની નજીકના ઘરમાં રહેતી મહિલાનું હોવાનું જાણવા મળ્યું હતું. એ મહિલાએ આઠ વર્ષ પહેલાં તેના ઘરમાં થયેલી ચોરીમાં એ કબાટ ગયું હોવાનું જણાવ્યું હતું. જોકે કબાટમાંથી કેટલીક મોંઘી વસ્તુઓ ચોરાઈ હતી, પરંતુ એ મહિલાની સુંદરતાને ચાર ચાંદ લગાવતો બ્રેસલેટ એમાંથી પાછો મળ્યો હતો. કબાટ મળતાં ભાવવિભોર થઈ ગયેલી એ મહિલાએ વાંકી વળીને નાનકડા નોક્સને ભેટી પડતાં તેનો ખૂબ-ખૂબ આભાર માન્યો હતો. 

south carolina offbeat news hatke news international news