800 સંતાનોના પિતા બન્યા પછી 100 વર્ષના આ કાચબાભાઈ હવે રિટાયર થયા

19 June, 2020 07:22 AM IST  |  South America | Gujarati Mid-day Correspondent

800 સંતાનોના પિતા બન્યા પછી 100 વર્ષના આ કાચબાભાઈ હવે રિટાયર થયા

100 વર્ષનો કાચબો

સાઉથ અમેરિકાના ઇક્વાડોર પાસેના ગાલાપેગોસ દ્વીપસમૂહના ટાપુઓ મોટા કદના અને ૧૦૦ વર્ષથી વધારે આયુષ્ય ધરાવતા કાચબા માટે જાણીતા છે. મોર કે ઢેલ જેવો કંઠ ધરાવતા એ દુર્લભ જાતિના કાચબાની વસ્તી ધીમે-ધીમે ઘટતી જતી હોવાથી જંગલ વિભાગના અધિકારીઓ ચિંતામાં પડ્યા હતા. એ દુર્લભ જાતિના પંદરેક કાચબા માંડ બચ્યા હતા એથી સ્થાનિક વાઇલ્ડલાઇફ પાર્કના અધિકારીઓએ એ કાચબા સતત પ્રજોત્પત્તિ કરતા રહે એ માટે એમને વર્ષો કે દાયકા સુધી બંધિયાર જગ્યામાં ગોંધી રાખ્યા હતા. એ બધા કાચબાને થોડા દિવસ પહેલાં છોડી મૂકવામાં આવ્યા ત્યારે સેંકડોની સંખ્યામાં હતા. રતિક્રીડાના વ્યસની એવા એ કાચબા સ્વાભાવિક રીતે જ પ્રજોત્પત્તિ કરવામાં સફળ રહ્યા હતા. હવે એકલા એસ્પાનોલા ટાપુ પર ૨૦૦૦ કરતાં વધારે કાચબા મોજૂદ છે. ડિયેગો નામનો લગભગ ૧૦૦  વર્ષની ઉંમરનો એક કાચબો ૮૦૦ જેટલાં બચ્ચાં પેદા કરવામાં કારણભૂત બન્યો હતો. ડિયેગો કૅલિફૉર્નિયાના પ્રાણી સંગ્રહાલયમાં આઠ દાયકા રહ્યા પછી પ્રજોત્પત્તિનું કામ હવે તેની પાસે નહીં કરાવાય. ડિયેગો તથા અન્ય ૧૪ કાચબાને બોટમાં એસ્પાનોલા લઈ જવામાં આવ્યા હતા. ૧૮૦ કિલો વજનના ૧૫ કાચબાને ટાપુ પર કાંટાળા થોરની ઝાડીઓના વિસ્તારમાં લઈ જઈને છોડી દેવામાં આવ્યા હતા. આ કાચબા ક્યાં ફરી રહ્યા છે એના સગડ માટે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)નો ઉપયોગ કરવામાં આવે છે.  

south america offbeat news hatke news international news