116 વર્ષના ફ્રૅડી બ્લૉમ વિશ્વના સૌથી વયસ્ક જીવિત પુરુષોમાંના એક છે

11 May, 2020 07:25 AM IST  |  South Africa | Gujarati Mid-day Correspondent

116 વર્ષના ફ્રૅડી બ્લૉમ વિશ્વના સૌથી વયસ્ક જીવિત પુરુષોમાંના એક છે

ફ્રૅડી બ્લૉમ

સાઉથ આફ્રિકાના અત્યંત અંતરિયાળ ગામ ઍડીલેડમાં રહેતા ૧૧૬ વર્ષના ફ્રૅડી બ્લૉમ વિશ્વના સૌથી વયસ્ક જીવિત પુરુષોમાંના એક છે. તેમણે પોતાના જીવનકાળમાં આ બીજો રોગચાળો જોયો છે. ૧૯૦૪ની આઠમી મેએ જન્મેલા ફ્રૅડીદાદા ૧૯૧૮માં ૧૪ વર્ષના હતા ત્યારે સ્પૅનિશ ફ્લુના રોગચાળામાં તેમણે બહેન ગુમાવી હતી. એ રોગચાળામાં ૩૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. ૧૦૦ વર્ષ પછી હાલના કોરોના વાઇરસના ઇન્ફેક્શનના રોગચાળામાં તેમને ફક્ત લૉકડાઉનનાં નિયંત્રણો તકલીફ આપે છે. લૉકડાઉનમાં સિગારેટ મળતી નથી એ તેમને માટે સૌથી વધુ પરેશાન કરનારી બાબત બની છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સની નોંધ પ્રમાણે સત્તાવાર રીતે વિશ્વના સૌથી વૃદ્ધ પુરુષ બ્રિટનના બૉબ વેઇટન છે. ફ્રૅડીદાદાની ઉંમર કોઈ સંસ્થાએ તપાસી નથી. આ બિનસત્તાવાર રીતે વિશ્વના સૌથી વૃદ્ધ પુરુષ ફ્રૅડીદાદાને લૉકડાઉનના માહોલમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે તેમનાં પ્રપૌત્ર-પ્રપૌત્રી અને પ્રદોહિત્ર-પ્રદોહિત્રીઓ સુધીનો વંશવેલો ઘરના પ્રાંગણમાં ભેગો થયો હતો. પાડોશીઓ હૅપી બર્થ-ડેનાં ગીતો ગાતાં આવી પહોંચ્યા અને તેમની બર્થ-ડે વિશ પૂછવામાં આવી ત્યારે તેમણે કહ્યું, ‘સિગારેટની વ્યવસ્થા કરી શકો તો સારું...’

south africa offbeat news hatke news