સાઉથ આફ્રિકાના પૂર્વ રાજકારણીને તેની પ્રિય મર્સિડીઝમાં દફન કરાયા

09 April, 2020 07:14 AM IST  |  South Africa | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકાના પૂર્વ રાજકારણીને તેની પ્રિય મર્સિડીઝમાં દફન કરાયા

રાજકારણીને મર્સિડીઝ કારમાં દફન કરવામાં આવ્યા

ભલે કહેવાતું હોય કે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જવાના છીએ, પરંતુ કેટલાક લોકો પોતાની સાથે ગમતી ચીજો લઈ જવા માગતા હોય છે. ઍટ લીસ્ટ કબર સુધી તો સાથે લઈ જ જાય છે, એ પછીનું ભગવાન જાણે. ગયા અઠવાડિયે સાઉથ આફ્રિકાના એક અગ્રણીનું નિધન થયું ત્યારે તેમની અંતિમ ઇચ્છાને માન આપીને તેમને મર્સિડીઝ કારમાં દફન કરવામાં આવ્યા. કોવિડ-19ના ખોફ વચ્ચે પણ અનેક લોકોએ તેમની અંતિમયાત્રામાં હાજરી આપી હતી. ઈસ્ટર્ન કેપમાં યુનાઇટેડ ડેમોક્રેટિક મૂવમેન્ટના ભૂતપૂર્વ નેતા શેકડે બુફ્ટન પિટોસો પાસે એક જમાનામાં લક્ઝરી મર્સિડીઝ બેન્ઝ કારનો કાફલો હતો, પરંતુ જીવનના કપરા દિવસોમાં તેમણે એને વેચવાની ફરજ પડી હતી. જોકે બે વર્ષ પહેલાં તેમણે સેકન્ડ-હૅન્ડ મર્સિડીઝ ખરીદી હતી. તેમને આ કાર એટલી પ્રિય હતી કે એ રસ્તા પર ચલાવી શકાય એવી સ્થિતિમાં ન હોવા છતાં તેઓ કલાકો સુધી આ કારની ડ્રાઇવિંગ સીટ પર બેસીને રેડિયો પર સંગીત સાંભળતા હતા. તેમણે પરિવારજનોને પણ કહ્યું હતું કે જો મારું મૃત્યુ થાય તો મને મારી કારમાં જ દફન કરશો.

તેમના પરિવારજનોએ આ વાત યાદ રાખીને તેમના મૃત્યુ બાદ તેમની મર્સિડીઝમાં જ દફન કરવાની પાદરીને વિનંતી કરી હતી. પાદરી માટે પણ આ નવીન હતું, પરંતુ પરિવારજનોની લાગણીને માન આપીને તેમને કારમાં ડ્રાઇવિંગ સીટ પર બેસાડીને આઠ ફુટ ઊંડા ખાડામાં કાર દફનાવી હતી. જોકે આફ્રિકામાં કોઈને મૃત્યુ પછી કારમાં દફન કરવાની આ પ્રથમ ઘટના નથી. નાઇજીરિયાના એક માણસે લગભગ એક વર્ષ પહેલાં તેના પિતાને ૯૦,૦૦૦ ડૉલરની નવી નક્કોર બીએમડબ્લ્યુમાં દફન કર્યા હતા અને પાંચ વર્ષ પહેલાં એક નાઇજીરિયને તેની મમ્મીને હમર એસયુવીમાં દફનાવી હતી.

south africa offbeat news hatke news international news