જે સિંહોને વહાલથી ઉછેર્યા તેમણે જ જીવ લીધો

01 September, 2020 06:54 AM IST  |  South Africa | Gujarati Mid-day Correspondent

જે સિંહોને વહાલથી ઉછેર્યા તેમણે જ જીવ લીધો

જે સિંહોને વહાલથી ઉછેર્યા તેમણે જ માલિકનો જીવ લઈ લીધો

સાઉથ આફ્રિકાના લિમ્પોપો પ્રાંતમાં રહેતા વેસ્ટ મેથ્યુસન નામના ૬૯ વર્ષના સિંહપ્રેમીનો જીવ તેના જ પાળેલા સિંહો દ્વારા જોખમમાં મુકાયો હતો. વેસ્ટ મૅથ્યુસન ખાસ કરીને સિંહો માટે ખૂબ જ લગાવ ધરાવતા હતા. એ માટે તેમણે ખાસ અભયારણ્ય જેવું પરિસર તૈયાર કરેલું. લાયન ટ્રી ટૉપ લોજ નામની આ જગ્યામાં એક સવારે વેસ્ટ મૅથ્યુસન બે સફેદ સિંહણોને ચાલવા લઈ ગયા હતા. આ તેમનું રુટિન હતું. રોજ તેઓ કલાકો સુધી પોતાના સિંહોને ચલાવતા, રમાડતા અને કસરત કરાવતા હતા. જોકે બે દિવસ પહેલાં સિંહણોની સાથેની મૉર્નિંગ વૉક દરમ્યાના એક સિંહણ અચાનક જ હિંસક થઈને હુમલાખોર થઈ ગઈ.

આ ઘટના ઘટી ત્યારે મૅથ્યુસનનાં ૬૫ વર્ષનાં વાઇફ ગિલ તેમની પાછળ વાહન ડ્રાઇવ કરી રહ્યા હતા. હુમલો થયો ત્યારે મિસીસ ગિલે પતિને બચાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો, પણ સિંહણો ખૂબ હિંસક બની ચૂકી હતી. તેઓ પતિનો જીવ બચાવી શક્યા નહોતા. પત્નીનું કહેવું છે કે જે સિંહણોએ તેના પતિને મારી નાખ્યા એ સિંહણોને તેમણે સાવ દૂધપીતા બચ્ચાં હતાં ત્યારથી ઉછેર્યા છે અને રોજ તેમની સાથે કલાકોનો સમય સ્પેન્ડ કર્યો છે.

આ ઘટના બાદ બન્ને સિંહણોને અલગ જગ્યાએ લઈ જવામાં આવી છે અને હવે તેમનું શું કરવું એનો નિર્ણય લેવામાં આવશે.

south africa offbeat news hatke news international news