સાચુકલાં લાગતાં રેતશિલ્પો

24 May, 2020 11:04 AM IST  |  Spain | Gujarati Mid-day Correspondent

સાચુકલાં લાગતાં રેતશિલ્પો

રેતશિલ્પો

સ્પેનના મલ્ટિ-મીડિયા કલાકાર એન્ડની બસ્તારિકાએ રેતી અને માટીથી બનાવેલા અતિ-વાસ્તવિક પશુશિલ્પો આજકાલ સોશ્યલ મીડિયા પર લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે. બસ્તારિકા લગભગ છેલ્લાં ૧૦ વર્ષથી તેના પ્રાંતના બીચ પર રેતીનાં શિલ્પો બનાવે છે, પરંતુ હાલમાં જ તેના જીવંત લાગે એવા મોટા કદના બેઠેલા બળદના શિલ્પનો ફોટો સોશ્યલ મીડિયા પર અપલોડ થયા બાદ એને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે. આ શિલ્પનો ફોટો વાઇરલ થયા બાદ તેના અન્ય શિલ્પના ફોટો પણ સોશ્યલ મીડિયા પર મુકાયાં છે.

બસ્તારિકાએ ૧૦ વર્ષ પહેલાં બીચ પર જતાં બાળકોના આનંદ માટે પહેલું શિલ્પ બનાવ્યું હતું. એને લોકોનો સારો પ્રતિસાદ મળતાં તેણે અવનવાં શિલ્પ બનાવવા માંડ્યાં જે તેને માટે એક સાઇડ-ઇન્કમનું સાધન પણ બની ગયું.

બસ્તારિકા મોટા ભાગે તેના હાથ વડે જ શિલ્પની ઝીણામાં ઝીણી વિગતોને આકાર આપે છે. જોકે અમુક વખત તે બ્રશ, નાની લાકડીઓ તેમ જ ટૂથપિકનો ઉપયોગ કરે છે. અમુક શિલ્પ માટે તે સાચી દેખાય એવી કેટલીક ચીજોનો ઉપયોગ કરે છે, જેમ કે આ બળદ માટે તેણે શિંગડાં લગાડ્યાં હતાં. બીચ પર લોકોના આનંદ માટે શિલ્પ બનાવવા ઉપરાંત બસ્તારિકા વર્કશૉપ પણ ચલાવે છે, જેમાં તે પોતાના શિલ્પનાં સીક્રેટ્સ સમજાવે છે.

spain offbeat news hatke news international news