પેટ્રોલિયમ જેલી ભરીને આ ભાઈએ બાવડાં ફુલાવ્યાં, સર્જરી કરી કાઢવા પડ્યા

21 November, 2019 08:30 AM IST  |  Russia

પેટ્રોલિયમ જેલી ભરીને આ ભાઈએ બાવડાં ફુલાવ્યાં, સર્જરી કરી કાઢવા પડ્યા

આ ભાઈએ જેલીથી ફુલાવ્યા બાવડા

બાવડેબાજ દેખાવાના અભરખાને કારણે એક રશિયન યુવકે ન કરવા જેવું કામ કરી નાખ્યું હતું. કિરીલ ટેરેસિન નામના આ ભૂતપૂર્વ સૈનિકે ઝટપટ બાવડાં ફુલાવી નાખવા માટે બાવડાંની અંદર પેટ્રોલિયમ જેલી ઠૂંસી હતી. લાંબા ગાળા સુધી આમ જેલી અંદર નાખ્યે જ રાખી હોવાથી એને કારણે સ્નાયુઓ ડૅમેજ થવા લાગ્યા હતા. તેના શરીરની સરખામણીમાં અસામાન્ય રીતે ફૂલી ગયેલાં બાવડાંને કારણે એવી તકલીફ વકરી હતી કે આખરે સર્જરી કરવી પડી હતી. ડૉક્ટરોનું કહેવું હતું કે જો તેણે સર્જરી કરીને સ્નાયુઓને થયેલું ડૅમેજ દૂર ન કરાવ્યું હોત તો તેનો હાથ કપાવવો પડે એવી નોબત આવી હોત.
‘પૉપઆઇ’ના હુલામણા નામે જાણીતા કિરીલની સર્જરી કરીને ડૉક્ટરોએ ૧.૩૬ કિલો જેટલા મૃત મસલ્સ દૂર કર્યા હતા. ડૉક્ટરોનું કહેવું છે કે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ શરીર પર બહારથી લગાવવામાં જ કરાય, એને શરીરની અંદર દાખલ કરવામાં આવે તો એ નુકસાનકારક છે. ફર્સ્ટ મૉસ્કો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના સર્જ્યન ડમીટ્રી મેલ્નિકોવે પેશન્ટના હાથમાંથી તૂટેલા સ્નાયુઓના ટુકડા સાથેનો માંસનો ગઠ્ઠો બતાવી કહ્યું હતું કે ‘બાવડાંમાંથી જેલી દૂર કરવાનું ઑપરેશન હજી ૨૫ ટકા જ કરાયું છે. પેટ્રોલિયમ જેલી સ્નાયુમાં ફેલાઈને કોષોને મારી નાખે છે આથી શરીરમાં દાખલ કરવામાં આવેલી બધી જ પેટ્રોલિયમ જેલીને દુર કરવી પડશે. જોકે અમારે નસો જીવતી રાખવી પડશે જેથી તેનો હાથ કામ કરી શકે.’

offbeat news hatke news russia