ખાડી બચાવવા રશિયન ડાન્સરે થીજેલી સપાટી પર પર્ફોર્મ કર્યું

15 March, 2021 07:36 AM IST  |  Russia

ખાડી બચાવવા રશિયન ડાન્સરે થીજેલી સપાટી પર પર્ફોર્મ કર્યું

રશિયન ડાન્સર

પર્યાવરણના રક્ષણ માટે આપણા દેશમાં આપણે અનેક અવનવાં અભિયાનો અને આંદોલનો જોયાં છે. દરેક દેશમાં ત્યાંની સંસ્કૃતિ, સંસ્કાર, ખાસિયત અને પ્રણાલી મુજબ સામાન્ય જનતામાંથી પ્રતિક્રિયા જોવા મળતી હોય છે. આપણા દેશમાં આંદોલનો, દેખાવો કે રસ્તા રોકો થાય તો અન્ય દેશોમાં ત્યાંની રીત મુજબ વિરોધ થતા હોય છે.

રશિયાની એક ડાન્સરે પોતાનો દેશ જે પ્રકારની ટૅલન્ટ માટે જાણીતો છે એને અનુરૂપ પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેણે ડાન્સ કરીને એક અખાત (ખાડી)ને બચાવવા માટેની ઝુંબેશમાં લોકોને સામેલ થવાનો અનુરોધ કર્યો છે.

બેટરેઇનયા બે નામની ખાડીમાં અનાજની તોતિંગ કોઠી બેસાડવા સહિતનો એક માતબર પ્રકલ્પ અમલમાં મૂકવામાં આવી રહ્યો હોવાના અહેવાલ બહાર આવતાં સ્થાનિક લોકોનો વિરોધ થઈ રહ્યો છે અને આ સ્થળના પર્યાવરણને બગાડથી બચાવવા અને લોકોનું ધ્યાન ખેંચવા લિમિરા બગૌત્દિનોવ નામની આ ડાન્સરે ખાડીના થીજેલા પાણીની સપાટી પર ડાન્સ કર્યો હતો.

રશિયામાં ગલ્ફ ઑફ ફિનલૅન્ડને એના અસલ, કુદરતી રૂપમાં લાવવા માટે પ્રમુખ વ્લાદિમીર પુતિનને સંબોધીને કરવામાં આવેલી ઑનલાઇન પિટિશનને સમર્થન આપવાનો પ્રયાસ પણ આ નૃત્યાંગનાએ કર્યો હતો.

નીચા તાપમાનની ઠંડીમાં બર્ફીલી સપાટી પર કરેલા ડાન્સની લિમિરાએ ફિલ્મ ઉતારી છે. સેન્ટ પીટર્સબર્ગથી ૫૦ કિલોમીટર દૂર કરેલા આ ડાન્સનો વિડિયો સોશ્યલ-ઑનલાઇન મીડિયા પર પોસ્ટ પણ કર્યો છે અને એને અનેક લાઇક્સ મળી છે.

offbeat news hatke news russia