જપાનમાં બેઝબૉલની ગેમમાં ડાન્સરોને બદલે રોબો ચિયર ‌લીડર્સ

11 July, 2020 07:43 AM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

જપાનમાં બેઝબૉલની ગેમમાં ડાન્સરોને બદલે રોબો ચિયર ‌લીડર્સ

રોબો ચિયર ‌લીડર્સ

એક રોગચાળો અને થોડા મહિનાનું લૉકડાઉન માણસોને કેટલાબધા નવા પાઠ ભણાવે છે અને કેવા-કેવા અનુભવો આપે છે એ આખી દુનિયાને હાલમાં સમજાઈ રહ્યું છે. સ્પોર્ટ્સની પ્રવૃત્તિ કેટલાક દેશોમાં ખૂબ થોડા પ્રમાણમાં ચાલે છે. એમાં અસલ ખેલાડીઓ રમે છે, પણ ખેલ જોનારાઓને મેદાનમાં જવાની પરવાનગી નથી હોતી. એવામાં ચિયર લીડર્સ તો ન જ હોયને! જોકે ગયા મંગળવારે જપાનની નિપોન પ્રોફેશનલ બેઝબૉલ સ્પર્ધામાં ફુકુઓકા સૉફ્ટબૅન્ક્સ હૉક્સ અને રાકુતેન ઇગલ્સ વચ્ચેની મૅચમાં અનોખું દૃશ્ય સર્જાયું હતું. ૪૦,૦૦૦ લોકોને સમાવવાની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ ખાલી હતું, પરંતુ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ચિયર લીડર્સ હતા. જોકે એ પણ માણસો નહોતા. ફુકુઓકા સૉફ્ટબૅન્ક્સ હૉક્સ ટીમ તરફથી પોડિયમ પર ૨૦ રોબો નાચતા હતા. ફુકુઓકાના હ્યુમેનૉઇડ રોબો ‘પીપર’ ઉપરાંત કૂતરા જેવા દેખાતા ચાર પગવાળા યંત્રમાનવો પણ નાચતા હતા. રીતસર ચિયર લીડર્સની માફક તેમનો કોરિયોગ્રાફ્ડ ડાન્સ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. હ્યુમેનૉઇડ રોબો ‘પીપર’ હૉક્સ ટીમની ટોપી પહેરીને એમનો ઝંડો પણ ફરકાવતા હતા. એ દૃશ્યોના વિડિયો સોશ્યલ મીડિયા પર લોકપ્રિય બન્યા છે. રોબોના રૂપમાં સ્પોર્ટ્સના ચાહકોના વિડિયો ટ્વિટર સહિત વિવિધ સોશ્યલ નેટવર્કિગ સાઇટ્સ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. 

japan offbeat news hatke news international news