જે ડિલિવરી-બૉયને લૂંટ્યો, તે કેમ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો, વાંચો ઘટના

19 June, 2020 07:22 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

જે ડિલિવરી-બૉયને લૂંટ્યો, તે કેમ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો, વાંચો ઘટના

ડિલિવરી-બૉય

પાકિસ્તાનમાં એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જે જોઈને ભલભલા હસી પડે. જે લૂંટારાઓ ડિલિવરી-બૉયને લૂંટવા આવેલા તેમનાં હૃદયપરિવર્તન થાય છે. આ ઘટના કરાચીની છે, જેમાં એક બાઇક પર સવાર બે લૂંટારાઓએ ફરજ પરના ડિલિવરી-બૉયને પહેલાં તો નીચે પાડ્યો. ઊભો થઈને ડિલિવરી-બૉય પોતાની બાઇક તરફ પાછો જઈ રહેલો દેખાય છે. જેવો તે પોતાની બાઇક પર બેસવા જાય છે ત્યારે બે બુકાનીધારી લૂંટારા ત્યાં પહોંચી જાય છે.

બાઇકસવારે બાઇક રોકતાં પાછળ બેઠેલો સવાર ઊતરીને ડિલિવરી-બૉય પાસેની કીમતી વસ્તુઓ ઝૂંટવી લે છે. જોકે થોડી ક્ષણો બાદ બન્ને લૂંટારા ત્યાંથી નાસી જવાને બદલે ડિલિવરી-બૉય સાથે ચર્ચા કરતા જોવા મળે છે. ચર્ચા કર્યા પછી ડિલિવરી-બૉય ધ્રુસકે-ધ્રુસકે રડવા માંડે છે. એ જોઈને લૂંટારાઓ થોડા કૂણા પડે છે. તેઓ લૂંટેલો સામાન ડિલિવરી-બૉયને પાછો આપીને તેને ભેટ્યા પછી ઘટનાસ્થળેથી ચાલ્યા જાય છે.

પાકિસ્તાની મીડિયા મુજબ પહેલાં લૂંટારાઓ ડિલિવરી-બૉયને ડરાવવાની કોશિશ કરે છે, પણ પછી લૂંટનો ઇરાદો બદલીને તેને સાંત્વના આપીને ચાલ્યા જાય છે.

pakistan offbeat news hatke news