આ ઇકો-ફ્રેન્ડ્લી લાકડાની સાઇકલને તો કૅનેડાથી ઑર્ડર મળવા લાગ્યા

12 September, 2020 07:00 AM IST  |  Punjab | Gujarati Mid-day Correspondent

આ ઇકો-ફ્રેન્ડ્લી લાકડાની સાઇકલને તો કૅનેડાથી ઑર્ડર મળવા લાગ્યા

લાકડાની સાઇકલ

કોરોના વાઇરસની મહામારીએ વિશ્વમાં અનેક લોકોના રોજગાર છીનવી લીધા છે. જોકે અનેક લોકોને કાંઈક નવું શીખવાનો મોકો પણ આપ્યો છે. પંજાબના ઝિરાકપુરના ધનીરામ સગુ નામના કાર્પેન્ટરે લૉકડાઉનમાં રોજગારવિહોણા બનેલા લોકોને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપતું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

૪૦ વર્ષના આ સુથારે લૉકડાઉનમાં નોકરી ગુમાવી છે. જોકે નબળી આર્થિક પરિસ્થિતિમાં પણ ઘરે બેસીને નિરાશ થવાને બદલે તેણે નવા આઇડિયા પર કામ કરવાની ધગશ જાળવી રાખતાં લાકડાની ઇકો-ફ્રેન્ડ્લી બાઇસિકલ તૈયાર કરી છે.

આ બાઇસિકલ એટલી સુંદર બની છે કે એને ભારતમાંથી તો ઠીક, કૅનેડાથી પણ ઑર્ડર મળી રહ્યા છે. ધનીરામે એપ્રિલમાં બાઇસિકલ બનાવવાની શરૂઆત કરી હતી અને બે નિષ્ફળ પ્રયાસ પછી તેની બાઇસિકલ તૈયાર થઈ હતી.

તેણે બનાવેલી આ ઇકો-ફ્રેન્ડ્લી સાઇકલનું ૧૫,૦૦૦ રૂપિયામાં વેચાણ થઈ રહ્યું છે. વ્યવસાયે સુથાર ધનીરામનું કહેવું છે કે ‘અત્યાર સુધી મોટા ભાગે મને કબાટ, દરવાજા, માળિયા તેમ જ રિપેરિંગનાં કામ મળતાં હતાં, પરંતુ લૉકડાઉનમાં કામ છૂટી ગયા બાદ ઘરમાંથી જ ચીજો ભેગી કરીને મેં લાકડાની બાઇસિકલ બનાવી હતી અને હવે મને સાઇકલ બનાવવાના ઑર્ડર મળી રહ્યા છે.’

national news punjab offbeat news hatke news