રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સની વચ્ચોવચ ખેતર રાખીને શહેરી કૃષિ કરે છે આ ભાઈ

25 August, 2020 07:03 AM IST  |  Poland | Gujarati Mid-day Correspondent

રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સની વચ્ચોવચ ખેતર રાખીને શહેરી કૃષિ કરે છે આ ભાઈ

ખેતર

કોઈ પણ પ્રકારના વિકાસશીલ પ્રોજેક્ટ્સની વાત આવે ત્યારે એકસામટી જમીનોનું વેચાણ થાય છે. જોકે આખો પટ્ટો ખાલી કરવાનો હોય ત્યારે કેટલાક લોકોને કાં તો પૈસામાં વાંધો પડે છે અને કાં તેઓ પોતાની જૂની જમીન ખાલી કરવા નથી માગતા એને કારણે ક્યાંક હાઇવેની વચ્ચે કોઈકનું ઘર ઊભું હોય તો ક્યાંક ઍરપોર્ટની વચ્ચે કોઈકનું ઘર-ખેતર હોય એવા કિસ્સા આપણે જોયા છે. આવું જ કંઈક પોલૅન્ડના લ્યુબિન શહેરમાં બન્યું છે.

અહીં રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સ માટે કેટલાંક ખેતરોને નૉન-ઍગ્રિકલ્ચરલ બનાવી દેવામાં આવ્યાં અને ત્યાં રહેણાક બનાવી દેવામાં આવ્યું. જોકે આ  પ્રોજેક્ટમાં એક ખેડૂતે પોતાનું ખેતર કોઈ પણ કિંમતે જવા ન દીધું. એને કારણે હવે હાલત એવી છે કે રેસિડેન્શિયલ બિલ્ડિંગોની વચ્ચે જ તેનું ખેતર છે. અહીંના રહેવાસીઓને ખેતરનો વ્યુ તેમની બાલ્કનીમાંથી જોવા મળે છે. આ ખેતરમાં તે ટ્રૅક્ટર અને હળ લઈને બાકાયદા ખેતી કરે છે. દર વર્ષે આ જમીન પર તે બેથી ત્રણ પાક લે છે. નવાઈની વાત એ છે કે આ ભાઈનું ખેતર આસપાસના રહેવાસીઓમાં બહુ જ ફેવરિટ બની ગયું છે. તમે શહેરની વચાળે રહેતા હો અને ઘરની બારીમાંથી ખેતરમાં લહેરાતો હોય એવો પાક જોવા મળે એ દૃશ્ય કેટલું રળિયામણું લાગતું હોય? આ જ કારણસર સ્થાનિક મીડિયામાં આ રહેવાસીઓના ઇન્ટરવ્યુઝ પણ ઘણી વાર આવે છે. કેટલાકનું કહેવું છે કે આવા નૅચરલ વ્યુ માટે તેઓ વધુ પૈસા આપવા પણ તૈયાર છે. 

poland offbeat news hatke news international news