દોસ્તો સાથે દારૂ પીનારા મેયરે ધરપકડથી બચવા માટે મૃત હોવાનું નાટક કર્યું

27 May, 2020 08:02 AM IST  |  Peru | Gujarati Mid-day Correspondent

દોસ્તો સાથે દારૂ પીનારા મેયરે ધરપકડથી બચવા માટે મૃત હોવાનું નાટક કર્યું

દક્ષિણ અમેરિકાના પેરુના તાંતારા શહેરના મેયર લૉકડાઉનના દિવસોમાં દોસ્તો સાથે દારૂ પીવા ગયા હતા અને પાછા ફરતાં ધરપકડથી બચવા માટે મરી ગયા હોવાનું નાટક કર્યું હતું. જૈમે રોલાન્દો અર્બિના તોરસ કરફ્યુના નિયમોનું ઉલ્લંઘન કરીને મિત્રો સાથે શરાબની મહેફિલ માણવા ગયા હતા. કોરોના રોગચાળાને ગંભીરતાથી નહીં લેતા હોવાની અને જનતા માટે રક્ષણાત્મક વ્યવસ્થાઓમાં નિષ્ફળતાને નામે સામાન્ય રીતે મેયર તોરસસાહેબ પર માછલાં ધોવાતાં હતાં, પરંતુ કરફ્યુની ઐસીતૈસી કરીને દોસ્તો સાથે દારૂ પીવા બેઠા ત્યારે તો ઇન્ટરનૅશનલ ન્યુઝ હેડલાઇન્સનો વિષય બન્યા હતા.

કારણ કે રાતે દારૂના નશામાં ધમાલ મચાવતા તોરસ અને તેમના મિત્રોની ધાંધલ આસપાસના રહેવાસીઓ સહન ન કરી શક્યા અને પોલીસને ફોન કર્યો. પોલીસની ગાડીઓની સાઇરન સંભળાતાં એ બધા દારૂડિયાઓ કોરોનાથી મૃત્યુ પામેલા લોકો માટેના કૉફિનમાં ભરાઈ ગયા હતા, પરંતુ એ લોકો પોલીસને ઉલ્લુ બનાવી ન શક્યા. પોલીસે શ્વાસ લેતાં મડદાંને ઓળખી લીધાં અને એ બધા દારૂડિયાઓને બોચી પકડીને ઊભા કર્યા હતા. એ બધામાં ખાસ કરીને મેયરસાહેબના ફોટો પાડીને વાજતેગાજતે તેમને પોલીસ-સ્ટેશન લઈ ગયા હતા.

peru offbeat news hatke news international news