લૉકડાઉનમાં લોકો માછલી અને મરઘીને ડૉગીની જેમ બાંધીને વૉક કરાવવા નીકળે છે

30 April, 2020 07:36 AM IST  |  Spain | Gujarati Mid-day Correspondent

લૉકડાઉનમાં લોકો માછલી અને મરઘીને ડૉગીની જેમ બાંધીને વૉક કરાવવા નીકળે છે

મરઘીને ડૉગીની જેમ બાંધીને વૉક કરાવવા નીકળે છે લોકો

કોરોના વાઇરસનો પ્રભાવ સ્પેનમાં પણ ફેલાયો છે અને ત્યાં પણ લૉકડાઉન છે. આવામાં લૉકડાઉન વચ્ચે સ્પેનમાં લોકો હાથમાં મરઘી અને માછલીના બાઉલ લઈને રસ્તા પર ફરતા જોવા મળે છે. હજી થોડાક સમય પહેલાં સુધી સ્પેનમાં કોરોનાને કારણે ઘણી નાજુક સ્થિતિ હતી. જોકે હમણાં પરિસ્થિતિ કાબૂમાં આવી છે અને એમ છતાં હજી અહીં લૉકડાઉન ચાલુ જ છે. સ્પેનમાં એક નિયમ જાહેર થયો છે કે જેના ઘરમાં પાળેલાં પ્રાણીઓ હોય તે જ પોતાનાં પાળેલાં જનાવરોને બહારની હવામાં ફેરવવા માટે બહાર નીકળી શકે છે. આવામાં હવે જેમને બહાર ફરવા જવું છે એ લોકો અવનવાં છટકાં બનાવી રહ્યા છે. આ નિયમનો ફાયદો ઉઠાવીને કેટલાક લોકો પોતાના હાથમાં મરઘાંને કૂતરાનો પટ્ટો પહેરાવીને ચાલવા નીકળી પડે છે તો કેટલાક લોકો હાથમાં માછલીનો બાઉલ પકડીને ફરતા જોવા મળે છે. સ્પૅનિશ પોલીસે આ પ્રકારે માછલી અને મરઘીને બહાર ફરવા લઈને નીકળવાને પણ કાનૂનનો ભંગ જ છે એવું જાહેર કરવું પડ્યું હતું. સ્થાનિક પોલીસે આવા ભેજાબાજ મુરતિયાઓનો એક વિડિયો ટ્વિટર પર મૂક્યો છે જેમાં હાથમાં માછલીનો બાઉલ પકડીને બહાર નીકળેલા માણસને દંડ કરવામાં આવ્યો છે. 

spain offbeat news hatke news international news