પૉલ વૉકરના 21 વાહનો હરાજીમાં 16 કરોડ રૂપિયામાં વેચાયાં

21 January, 2020 09:20 AM IST  |  America

પૉલ વૉકરના 21 વાહનો હરાજીમાં 16 કરોડ રૂપિયામાં વેચાયાં

પૉલ વૉકર

અમીર વર્ગમાં કારનો શોખ હોવો અત્યંત સામાન્ય બાબત છે. જો આ અમીર કોઈ વિખ્યાત ઍક્ટર હોય તો તેની કારની કિંમત સામાન્ય કારની કિંમત કરતાં અનેક ગણી વધુ હોય છે કેમ કે સેલિબ્રિટીની વાપરેલી કાર પોતાના કાફલામાં હોવી એ પણ એક ગર્વ લેવા જેવી બાબત મનાય છે અને એ માટે લોકો મોં માગી કિંમત ચૂકવવા તૈયાર હોય છે. ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ ફિલ્મ ફ્રૅન્ચાઇઝીથી ચર્ચામાં આવેલા હૉલિવુડના ઍક્ટર પૉલ વૉકરના મૃત્યુના સાત વર્ષ પછી તેમના ૨૧ વાહનો (૧૮ કાર અને ૩ મોટરસાઇકલ) લિલામીમાં ૧૬ કરોડ રૂપિયામાં વેચાયાં હતાં.



આ કારોનું ઑક્શન અમેરિકાના ઍરિઝોનામાં એક અઠવાડિયાના સમયગાળામાં કરવામાં આવ્યું હતું. એમાંથી ઉપજેલી રકમ વૉકરની દીકરીના એક ટ્રસ્ટને આપવામાં આવશે. કારોનો સંગ્રહ કરવાના શોખીન પૉલ વૉકરનું ૨૦૧૩માં એક કાર દુર્ઘટનામાં નિધન થયું હતું. તેમની કારોમાં અલ્પાઇન વાઇટ ૧૯૯૫, બીએમડબ્લ્યુ એમ-૩ જેવી કારો હતી, જેની ટૉપ પ્રાઇસ ૨.૭૩ કરોડ રૂપિયા હતી. ફાસ્ટ ફાઇવમાં જોવા મળેલી નિસાન-૩૭૦ ઝૅડની બોલી લગાવનારા સૌથી વધુ હતા. આ કાર ૭૫ લાખ રૂપિયામાં વેચાઇ હતી.

આ પણ વાંચો : આ કન્યાએ 87 દિવસમાં કાશ્મીરથી છેક કન્યાકુમારી સુધી દોડીને રચ્યો વિશ્વવિક્રમ

ઑક્શન-હાઉસના પ્રવક્તાનું કહેવું હતું કે લોકોમાં તેમની કાર ખરીદવાનો ઘણો ક્રેઝ જોવા મળ્યો હતો. સામાન્યપણે સેલિબ્રિટીના કલેક્શનની લિલામી માટે હંમેશાં મોટી બોલી બોલાય એ જરૂરી નથી પરંતુ વૉકરની કાર ખરીદવાનું લોકોમાં જબરું ઝનૂન જોવા મળ્યું હતું.

united states of america offbeat news hatke news paul walker