ભોપાલમાં ધોતી પહેરીને પંડિતો રમ્યા ક્રિકેટ, કૉમેન્ટરી આપી સંસ્કૃતમાં

13 January, 2021 05:31 AM IST  |  Madhya Pradesh

ભોપાલમાં ધોતી પહેરીને પંડિતો રમ્યા ક્રિકેટ, કૉમેન્ટરી આપી સંસ્કૃતમાં

ભોપાલમાં ધોતી-મુંડુ પહેરીને પંડિતો રમ્યા ક્રિકેટ

મધ્ય પ્રદેશમાં એક અનોખી ક્રિકેટ મૅચ રમાઈ હતી, જેમાં ખેલાડીઓએ ધોતી અને મુંડુ પહેર્યાં હતાં. આ મૅચ શનિવારે ભોપાલના અંકુર સ્ટેડિયમમાં પંડિતો વચ્ચે રમાઈ હતી. મહાઋષિ મહેશ યોગીની ૧૦૪મી જન્મજયંતીની સ્મૃતિરૂપે મહાઋષિ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

મૅચ રમનારા તમામ ખેલાડીઓ કાં તો મંદિરના પૂજારીઓ હતા અથવા સંસ્કૃતના વિદ્યાર્થીઓ હતા. તેમણે ટીશર્ટની નીચે મુંડુ કે ધોતી પહેર્યાં હતાં. બે ટીમની ટીશર્ટનો રંગ સફેદ અને નારંગી હતો. ખેલાડીઓએ કપાળ પર તિલક કર્યું હતું. અમ્પાયરે ધોતી-કુર્તા પહેર્યાં હતાં અને ખભે શાલ રાખી હતી.

આટલું ઓછું હોય એમ મૅચની કૉમેન્ટરી સંસ્કૃતમાં આપવામાં આવી હતી.

ઑર્ગેનાઇઝર્સના જણાવ્યા પ્રમાણે ક્રિકેટના શબ્દોને સંસ્કૃતમાં ઢાળવા એ સૌથી મોટું કાર્ય હતું. સંસ્કૃત શિક્ષક અને મૅચના કૉમેન્ટેટર સીતારામ તિવારીનું કહેવું છે કે ‘અમે આ ભગીરથ કાર્ય પાર પાડ્યું અને પરિણામરૂપે સૌએ કૉમેન્ટરી સાંભળી.’

આ મૅચની તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. એક યુઝરે સંસ્કૃતને જાળવી રાખવા માટેનો આ અસરકારક ઉપાય ગણાવ્યો હતો.

bhopal madhya pradesh offbeat news hatke news