આખા સ્ટેડિયમમાં એકલા બેસીને મૅચ જોઈ શકાય એ માટે જબરો નુસખો અજમાવ્યો

18 March, 2020 07:22 AM IST  |  Japan

આખા સ્ટેડિયમમાં એકલા બેસીને મૅચ જોઈ શકાય એ માટે જબરો નુસખો અજમાવ્યો

ખાલી સ્ટેડિયમ

પોતાની પ્રિય બેઝબૉલ ક્લબને ગંભીર નાણાકીય ક્ષતિ પહોંચાડવા બદલ જપાનના એક બેઝબૉલપ્રેમી સામે હાલમાં ગંભીર આરોપ મુકાયો છે. ૪૧ વર્ષના કિયોશી શીબામુરા નામના ભાઈ સ્થાનિક બેઝબૉલ ક્લબના ફૅન હતા. તેમણે થોડા સમય પહેલાં આખા સ્ટેડિયમમાં એકલા બેસીને મૅચ જોઈ શકાય અને ટીવીમાં એકલા તેનો જ વ્યુ આવે એવા આશયથી ક્લબની બે લીગ ગેમમાં લગભગ ૧૯૦૦ જેટલી સીટ રિઝર્વ કર્યા પછી અંતિમ સમયે એ કૅન્સલ કરાવી હતી.

ઓસાકા શહેરમાં રહેતો ૪૧ વર્ષનો કિયોશી શીબામુરા ઓરિક્સ બફેલોઝ બેઝબૉલ ક્લબનો ફૅન છે. ગયા વર્ષે ૨૮-૨૯ સપ્ટેમ્બરે ઓસાકાના ક્યોસેરા ડોમ ખાતે સૉફ્ટબૅન્ક હૉક્સ સામે તેની ફેવરિટ ટીમને રમતી જોવાનો લહાવો લેવા તેણે એક અત્યંત અનોખો અને ખર્ચાળ પ્લાન તૈયાર કર્યો હતો. ટીવી પર મૅચ દર્શાવે ત્યારે આખા સ્ટેડિયમમાં પોતે એકલો જ દેખાય એ માટે તેણે જુદા-જુદા નામે સ્ટેડિયમની બધી ટિકિટ બુક કરાવી અને પોતાની ટિકિટ છોડીને બાકીની ૧૮૭૩ ટિકિટ છેલ્લી ઘડીએ કૅન્સલ કરાવી જેથી અન્ય કોઈ વ્યક્તિ ટિકિટ ખરીદી ન શકે.

સામાન્ય સંજોગોમાં ઓછા પ્રશંસકો ધરાવતી ટીમની મૅચમાં સ્ટેડિયમ ખાલી હોવું એ કોઈ મહત્વની બાબત નહોતી, પરંતુ આ સીઝનની છેલ્લી મૅચ હતી અને સૉફ્ટબૅન્ક હૉક્સ નૅશનલ ટાઇટલ જીતવાની હોડમાં હોવાથી ટિકિટના ભાવ પણ ઘણા ઊંચા હતા. અચાનક એકસામટી ૧૮૭૩ ટિકિટ કૅન્સલ થવાથી ક્લબને ઘણું મોટું લગભગ ૭૫ લાખ રૂપિયાનું નુકસાન સહેવું પડ્યું હતું, જે આ નાની ક્લબ માટે ઘણું વધુ હતું. આંતરિક તપાસ શરૂ કરવામાં આવી. જોકે આખા સ્ટેડિયમમાં તે એકલો જ પ્રેક્ષક હોવાથી ગુનેગારનું નામ જાણવામાં વધુ મુશ્કેલી નહોતી પડી. જોકે પોતાનો ગુનો કબૂલ કરવામાં તેને જરાય સંકોચ નહોતો થયો. તેણે કહ્યું કે હું કોઈ પણ પ્રકારના વિક્ષેપ વિના શાંતિથી મૅચ જોવા ઇચ્છતો હતો. કિયોશી શીબામુરાને દંડ કરાયો કે પછી જેલની સજા થઈ એની તો ખબર નથી, પણ હવે ભવિષ્યમાં તે આવી ભૂલ નહીં કરે એ વાત ચોક્કસ.

offbeat news hatke news japan