આ પ્રાણીપ્રેમી મહિલા ઘરમાં 480 બિલાડી અને 12 ડૉગી સાથે રહે છે

29 November, 2020 09:19 AM IST  |  Oman | Gujarati Mid-day Correspondent

આ પ્રાણીપ્રેમી મહિલા ઘરમાં 480 બિલાડી અને 12 ડૉગી સાથે રહે છે

પ્રાણીપ્રેમી મહિલા

ઓમાનના મસ્કતમાં રહેતી પ્રાણીપ્રેમી મહિલા મરિયમ અલ બાલુશી તેના ઘરમાં ૪૮૦ બિલાડી અને ૧૨ ડૉગી સાથે રહે છે અને તેમના ખોરાક અને ડૉક્ટરી ખર્ચ પાછળ મહિનામાં ૮૦૦૦ ડૉલર એટલે કે પ.૯૦ લાખ રૂપિયા ખર્ચ કરે છે.

૫૧ વર્ષની નિવૃત્ત સિવિલ સર્વન્ટ મરિયમ પ્રાણીપ્રેમી તો હતી, પરંતુ તેણે ક્યારેય પ્રાણીઓ પાળવાનો વિચાર નહોતો કર્યો. ૨૦૦૮માં તેનો દીકરો એક બિલાડીને ઘરે લઈ આવ્યો. જોકે અન્ય બાળકોની જેમ તે પણ ઘરે લાવ્યા પછી એની વિશેષ કાળજી રાખતો નહોતો, જેથી મરિયમ બાલુશીને એની સંભાળ રાખવાની ફરજ પડી. ૨૦૧૧માં જ્યારે મરિયમ બાલુશી ડિપ્રેશનમાં સરી પડી હતી ત્યારે આ પાળેલી બિલાડીએ તેને એમાંથી બહાર નીકળવામાં ખૂબ મદદ કરી હતી. ત્યાર બાદથી તેણે પોતાનું જીવન રસ્તે રખડતી બિલાડીઓને મદદ કરવા અને તેમને પોતાના ઘરે લઈ આવવામાં પસાર કર્યું.

મરિયમ કહે છે, ‘માણસ વાણી દ્વારા પોતાની જરૂરિયાત અને ગમા-અણગમા વિશે બોલીને જણાવી શકે છે, પરંતુ આ અબોલ જીવોની સંભાળ રાખવી જરૂરી છે, એ પણ ત્યારે જ્યારે તેમની સંભાળ માટે કોઈ કાયદા પણ નથી.’

મરિયમના પાડોશીઓને આટલાં પ્રાણીઓ એક ઘરમાં રહે એનાથી ઘણા વાંધા હતા એટલે તેમણે તેની મુશ્કેલીઓ વધારવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. શરૂઆતમાં તે પોતે જ આ પ્રાણીઓ માટે ખર્ચ કરતી હતી. જોકે પછીથી તેણે આ પ્રાણીઓના ફોટો ઇન્સ્ટાગ્રામ પર મૂકતાં આ અબોલ પ્રાણીઓ માટે મદદની સરવાણી વહેવા માંડી હતી.

oman offbeat news hatke news international news