1100 ફુટ ઊંચો ડેક, જ્યાંથી ન્યુ યૉર્ક સિટીનો પૅનોરમિક વ્યુ મળશે

12 March, 2020 07:37 AM IST  |  New York City

1100 ફુટ ઊંચો ડેક, જ્યાંથી ન્યુ યૉર્ક સિટીનો પૅનોરમિક વ્યુ મળશે

ઑબ્ઝર્વેશન ડેક

પચીસ અબજ ડૉલરના ખર્ચે બંધાયેલા ન્યુ યૉર્કના હડસન યાર્ડ્ સ ટાવરમાં ફાઇનલી લોકોને ૧૧૦૦ ફુટ ઊંચા પ્લૅટફૉર્મ પરથી ન્યુ યૉર્ક સિટીનો પૅનોરમિક વ્યુ મળશે. હડસન યાર્ડના ટ્વિટર અકાઉન્ટમાં થયેલા દાવા મુજબ પશ્ચિમી દેશોમાં એ સૌથી ઊંચું મેન મેઇડ વ્યુઇન્ગ પ્લૅટફૉર્મ છે. હડસન યાર્ડ્ સ બિલ્ડિંગની ટોચ પરના ત્રિકોણ પ્લૅટફૉર્મનું તળિયું ટ્રાન્સપરન્ટ ગ્લાસથી બનેલું છે. ૧૧૦૦ ફુટ ઊંચે કાચની સપાટી પર ઊભા રહીને નીચે જોવાની થ્રિલ પણ માણવા જેવી છે.

અહીં પુખ્ત વિઝિટર્સ માટે ૩૬ ડૉલર એટલે કે અંદાજે ૨૬૫૨ રૂપિયાની ટિકિટ છે. એની જોડે પર્સનલાઇઝ્ડ બુક અને શેમ્પેનનો એક ગ્લાસ મળશે. છથી બાર વર્ષ સુધીની ઉંમરનાં બાળકોની ટિકિટ ૩૧ ડૉલર એટલે કે અંદાજે ૨૨૮૪ રૂપિયાની છે. સહેલાણીઓ માટે રોજ બપોરે એક વાગ્યાથી રાતે સાડાનવ વાગ્યા સુધી આ પ્લૅટફૉર્મ ખુલ્લું રહેશે. ત્યાર પછી બુધવારે રાતે ૧૧ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી ન્યુ યૉર્ક સિટીને નિહાળી શકાશે.

હડસન યાર્ડ ૧૮૦ લાખ ચોરસફુટનો વિશાળ કૉમ્પ્લેક્સ છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટરના રિબિલ્ડિંગ પછીનો સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. હડસન નદીની પાસેના ૨૮ એકરના મિની સિટીના આ પ્રોજેક્ટનો અડધો ભાગ ગયા વર્ષે પૂરો થયો હતો. બાકીનો ભાગ ૨૦૨૫ સુધીમાં પૂરો થશે. પ્રોજેક્ટ પૂરો થાય ત્યારે એમાં ઘર અને ઑફિસો ધરાવતા ૧૬ ટાવર, એક હોટેલ, એક સ્કૂલ, એક પર્ફોર્મિંગ આર્ટ સેન્ટર અને એક શૉપિંગ મૉલ પણ હશે. આઠમા માળે પહોંચ્યા પછી ગોળાકારમાં ચાલવાનો એકાદ માઇલ જેટલો રસ્તો પણ બનાવાયો છે.

offbeat news hatke news new york city