પ્રધાનની કોરોનામુક્તિની પૂજા માસ્ક પહેર્યા વગર

12 April, 2021 08:29 AM IST  |  Indore | Gujarati Mid-day Correspondent

ઉષા ઠાકુરનો કોરોના રોગચાળાના ‘સેકન્ડ વેવ’થી મુક્તિ માટે પ્રાર્થના કરતાં હોવાનો વિડિયો લોકપ્રિય

ઉષા ઠાકુરની કોરોનામુક્તિની પૂજા

મધ્ય પ્રદેશનાં એક પ્રધાન ઉષા ઠાકુર સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ઇન્દોરના વિમાનમથક પાસે અહિલ્યાબાઈ હોળકરની પ્રતિમા સામે ઊભાં રહીને કોરોના રોગચાળાના ‘સેકન્ડ વેવ’થી મુક્તિ માટે પ્રાર્થના કરતાં હોવાનો વિડિયો લોકપ્રિય બન્યો છે. ‘manishbpl’ નામના યુઝરે પોસ્ટ કરેલા વિડિયોમાં પર્યટન ખાતાનાં પ્રધાન ઉષા ઠાકુર તાળી પાડીને મોટેથી પ્રાર્થના-ભજન ગાતાં હતાં ત્યારે ઍરપોર્ટ ડિરેક્ટર આર્યમા સાન્યાસ સહિત કેટલાક ઊંચા હોદ્દા પરના અધિકારીઓ પણ હાજર હતાં. ૯ એપ્રિલે શૅર કરવામાં આવેલા એ વિડિયોના ૧૦૦ કરતાં વધારે વ્યુઝ અને રીટ્વિટ પણ નોંધાયાં છે. પોસ્ટની કૅપ્શનમાં લખવામાં આવ્યું છે, ‘અહિલ્યાબાઈ હોળકર કર્મયોગી હતાં. કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે તેઓ કર્મ કરવામાં માનતાં હતાં. કોરોના રોગચાળો પણ સખતાઈથી કર્મના આચરણથી નાબૂદ થઈ શકશે. જોકે તમે મધ્ય પ્રદેશનાં પર્યટન ખાતાનાં પ્રધાન ઉષા ઠાકુરને કર્મ-વર્તનથી સમજી શકો છો. તેઓ પણ ઇન્દોરનાં વતની છે.’ યુઝરે એ પોસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાગરિક ઉડ્ડયન ખાતાના પ્રધાન હરદીપ સૂરિને પણ ટૅગ કર્યા છે. મઉ વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરનારાં ઉષા ઠાકુર વિચિત્ર વર્તન અને વિધાનો કરવા માટે જાણીતાં છે. વિમાનમથકે માસ્ક પહેર્યા વગર પ્રાર્થના કરવા વિશે પત્રકારોએ પૂછ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે ‘હું કોરોના વાઇરસને દૂર રાખવા માટે રોજ હવન અને હનુમાન ચાલીસાના પાઠ કરું છું.’  

offbeat news national news madhya pradesh indore