સિંહવાહિની ગામમાં ઘરની અગાસી પરથી બર્ફીલો માઉન્ટ એવરેસ્ટ જોવા મળે છે

06 May, 2020 07:49 AM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

સિંહવાહિની ગામમાં ઘરની અગાસી પરથી બર્ફીલો માઉન્ટ એવરેસ્ટ જોવા મળે છે

માઉન્ટ એવરેસ્ટ

કોરોના વાઇરસને કારણે જાહેર કરવામાં આવેલા લૉકડાઉનને કારણે રાજ્યો વચ્ચેના આંતરિક વ્યવહારો નિયંત્રિત હોવાથી હવા અને પાણીમાં દૂષિત પદાર્થો ભળવાનું અને ઘોંઘાટનું પ્રમાણ પણ નોંધપાત્ર પ્રમાણમાં ઘટી ગયું છે. એને કારણે આકાશ સ્વચ્છ થઈ ગયું છે અને દૂર-દૂર સુધીના નજારા સુંદર ખીલી ઊઠ્યા છે. ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસના અધિકારી પરવીન કાસવાને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં એવરેસ્ટ દેખાય છે. બિહારના સિંહવાહિની નામના ગામમાંથી સીધું દેખાતું હિમાલયના શિખર માઉન્ટ એવરેસ્ટનું આ દૃશ્ય છે. પરવીન કાસવાને ફોટોગ્રાફની કૅપ્શનમાં લખ્યું છે, ‘સિંહવાહિની ગામના લોકોએ તેમના ઘરમાંથી માઉન્ટ એવરેસ્ટ જોયો, ત્યાર પછી કહ્યું કે ઘણા દાયકાઓ પછી હિમાલયનાં શિખરો અમને જોવા મળ્યાં છે.’ સૌપ્રથમ સિંહવાહિની ગામની મુખિયા રીતુ જયસ્વાલે આ તસવીર ટ્વિટર પર મૂકીને કૅપ્શન આપી હતી ‘અમે સિંહવાહિની ગામના લોકો અમારા ઘરની અગાશીમાંથી માઉન્ટ એવરેસ્ટને નિહાળી શકીએ છીએ. કુદરત આપોઆપ પોતાની સમતુલા જાળવી રહી છે.’ રીતુ જાયસ્વાલની ટ્વીટને સેંકડો લાઇક્સ અને કમેન્ટ્સ મળવા ઉપરાંત ડઝનબંધ ફૉર્વર્ડ્સ પણ કરવામાં આવી છે. કમેન્ટ્સમાં કોઈએ એને લૉકડાઉનની હકારાત્મક અસર ગણી છે અને કોઈકે એને પરિસ્થિતિજન્ય નોંધપાત્ર સિદ્ધિ ગણાવી છે. દૃશ્યની સુંદરતાને વખાણતી ઢગલાબંધ કમેન્ટ્સ લખવામાં આવી છે.

bihar offbeat news hatke news mount everest