લખનઉના છ વર્ષના કલાકારે ડ્રમ વગાડવાનો રેકૉર્ડ કર્યો

26 March, 2020 11:23 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

લખનઉના છ વર્ષના કલાકારે ડ્રમ વગાડવાનો રેકૉર્ડ કર્યો

છોટા પૅકેટ બડા ધમાકા

છોટા પૅકેટ બડા ધમાકા ગણાતા લખનઉના છ વર્ષના દેવાજ્ઞ દીક્ષિતે ગયા અઠવાડિયે એક રેકૉર્ડ બનાવ્યો છે. તેણે ડ્રમ પર ત્રણ મિનિટમાં ૫૫૦૦ બિટ્સ વગાડીને ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં ડ્રમિંગનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો. તેની મમ્મી રાશી દીક્ષિત તો દાવો કરે છે કે એકસાથે સાત વિક્રમો ધરાવતો એશિયાનો એકમાત્ર બાળક દેવાજ્ઞ છે. સાત વિશ્વ વિક્રમો ધરાવતો આ તાલવિશારદ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની અનેક ઇવેન્ટ્સમાં ડ્રમ વગાડી ચૂક્યો છે. દેવાજ્ઞના અન્ય ‌વિક્રમો ગોલ્ડન બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધાયેલા છે. તેણે આખા ભારતમાં ૧૬૦ લાઇવ સોલો ડ્રમ શો કર્યા છે. ફાઇટર પાઇલટ બનવાની તમન્ના ધરાવતો દેવાજ્ઞ બે વર્ષનો હતો ત્યારે તેના પિતા પોતાના શોખ માટે ઘરમાં ડ્રમ લાવ્યા હતા, પરંતુ એ ડ્રમને દેવાજ્ઞે અપનાવ્યું અને એ ક્ષેત્રમાં સતત નવી ઊંચાઈનાં શિખરો સર કરી રહ્યો છે. તેની મમ્મીના કહેવા મુજબ દેવાજ્ઞ એક મિનિટમાં સૌથી વધારે ડ્રમ બિટ્સ, એક મિનિટમાં સૌથી વધારે ડ્રમ કિક્સ, એક મિનિટમાં સૌથી વધારે પેરાડિડલ્સ, એક મિનિટમાં સૌથી વધારે ડ્રમ રોલ્સ, એક સેકન્ડમાં સૌથી વધારે ડ્રમ બિટ્સ, એક સેકન્ડમાં સૌથી વધારે ડ્રમ કિક્સ અને સૌથી ઝડપી ૧૦,૦૦૦ બિટ્સ પર્ફોર્મરનો રેકૉર્ડ ધરાવે છે.

lucknow offbeat news hatke news national news