જેલથી બચવા મોતનું નાટક કર્યું, પણ જોડણીની ભૂલે ભાંડો ફોડી નાખ્યો

24 July, 2020 07:03 AM IST  |  New Jersey | Gujarati Mid-day Correspondent

જેલથી બચવા મોતનું નાટક કર્યું, પણ જોડણીની ભૂલે ભાંડો ફોડી નાખ્યો

ડેથ સર્ટિફિકેટ

એલોગ આઇલૅન્ડના એક અપરાધીએ પોતાને થયેલી સજાને ટાળવા માટે મરી ગયાનું નાટક રચ્યું હતું. જોકે તેણે રજૂ કરેલા ડેથ સર્ટિફિકેટમાં થયેલા છબરડાએ તેનો ભાંડો ફોડી નાખ્યો હતો. ચોરીને લગતા એક કેસમાં દોષી ઠરતાં ન્યુ યૉર્કના હન્ટિંગટનના પચીસ વર્ષના રૉબર્ટ બર્ગરને એક વર્ષની જેલની સજા થઈ હતી, પરંતુ તે સજા ભોગવવાને બદલે પલાયન થઈ ગયો હતો. તેણે સજા ન ભોગવવી પડે એ માટે પોતાના જ મોતનું નાટક કર્યું હતું. તેના વકીલે કોર્ટમાં ન્યાયાધીશ સામે રૉબર્ટે આત્મહત્યા કરી લીધી હોવાનું જણાવ્યું હતું અને તેનું ડેથ સર્ટિફિકેટ પણ રજૂ કર્યું હતું.

પ્રથમ નજરે રૉબર્ટનું ડેથ સર્ટિફિકેટ ન્યુ જર્સી ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ તરફથી ઇશ્યુ કરાયું હોય એવું જ લાગી રહ્યું હતું, પરંતુ સૌપ્રથમ તો રજિસ્ટ્રીની સ્પેલિંગમાં ભૂલ હતી. વળી મૂળ દસ્તાવેજના ફોન્ટ સાઇઝ અને ટાઇપમાં પણ ઘણો ફરક હતો. આવી જોડણીની કેટલીક ભૂલો માટે ન્યાયાધીશે ઊલટતપાસ કરતાં સચ્ચાઈ સામે આવી ગઈ હતી. ન્યુ જર્સી ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ દ્વારા પણ સર્ટિફિકેટ બોગસ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી.

વાસ્તવમાં રૉબર્ટ જીવતો હતો અને ફિલાડેલ્ફિયામાંથી તેની ધરપકડ કરીને તેને અગાઉની સજા ભોગવવા માટે ફરી જેલમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હવે જો બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવવાના કેસમાં રૉબર્ટને દોષી ઠરાવવામાં આવે તો તેને ચાર વર્ષની જેલની સજા થઈ શકે છે. આને કહેવાય ઊલમાંથી ચૂલમાં પડ્યા.

offbeat news hatke news new jersey