જહાજ પરથી ફેંકાઈ ગયા પછી દરિયાઈ ઉકરડાના ઢગલા પર ૧૪ કલાક પસાર કર્યા

27 February, 2021 09:11 AM IST  |  Lithuania | Gujarati Mid-day Correspondent

જહાજ પરથી ફેંકાઈ ગયા પછી દરિયાઈ ઉકરડાના ઢગલા પર ૧૪ કલાક પસાર કર્યા

વિદામ પેરેવર્તીલોવ

પ્રશાંત મહાસાગરમાં ન્યુ ઝીલૅન્ડના તૌરાંગા પોર્ટ અને બ્રિટનના પિટકેર્ન વચ્ચે માલસામાનની હેરફેર કરતા લિથુઆનિયાના જહાજનો ચીફ એન્જિનિયર અચાનક કાર્ગો શિપમાંથી દરિયામાં પડી ગયો ત્યારે તેની પાસે લાઇફ જૅકેટ નહોતું, પરંતુ તે તરતો-તરતો બચવાનું સ્થાન શોધતો હતો એ દરમ્યાન તેને દૂરથી એક કાળા વાહન જેવું દેખાયું. એ માછીમારીનું હોડકું હશે એવી ધારણા સાથે એની નજીક ગયો, પરંતુ એ દરિયાઈ કચરાનો મોટો ઢગલો હતો. એ ઢગલા પર તે પડ્યો રહ્યો હતો. દરિયાઈ ઉકરડાના મોટા ઢગલા પર ૧૪ કલાક પસાર કર્યા પછી તેને ઉગારી શકાયો હતો.

વિદામ પેરેવર્તીલોવ એન્જિન-રૂમમાં ફ્યુઅલ પમ્પિંગની શિફ્ટ ડ્યુટી પર હતો. ૧૬ ફેબ્રુઆરીએ પરોઢિયે ચાર વાગ્યે ‘ગરમી અને અસ્વસ્થતા’ લાગતાં વિદામ ખુલ્લી હવા લેવા એન્જિન-રૂમની બહાર નીકળ્યો ત્યારે તેનો પગ લથડતાં તે દરિયામાં પડી ગયો હતો. અંધારું હોવાથી કોઈને જલદી ખ્યાલ આવ્યો નહોતો. લગભગ ૬ કલાકે કાર્ગોશિપના એન્જિન-રૂમના કર્મચારીઓને વિદામ દરિયામાં ગબડી પડ્યો હોવાનો ખ્યાલ આવ્યો હતો. એથી જહાજ પાછું વાળવા સાથે અન્ય જહાજોને ડિસ્ટ્રેસ સિગ્નલ મોકલવામાં આવ્યા હતા. એ વખતે તાહિટી ખાતે એક ફ્રેન્ચ જહાજ સર્ચ ઑપરેશનમાં જોડાયું હતું. એ જહાજ પરના એક માણસને દૂરથી એક આછો-પાંખો અવાજ સંભળાયો એથી જહાજને એ જગ્યાએ લઈ જઈને વિદામને બચાવ્યો હતો. બચાવ્યો ત્યારે ૧૪ કલાકમાં તેની ઉંમર જાણે ૨૦ વર્ષ વધી ગઈ હોય એવું લાગ્યું હતું.

offbeat news international news