રિટાયર્ડ ચાઇનીઝ સૈનિકે બન્ને પગ ન હોવા છતાં વાવ્યાં છે 17,000 વૃક્ષો

14 April, 2019 11:25 AM IST  | 

રિટાયર્ડ ચાઇનીઝ સૈનિકે બન્ને પગ ન હોવા છતાં વાવ્યાં છે 17,000 વૃક્ષો

આ ભાઈએ પગ ન હોવા છતાં17,000 વૃક્ષો વાવ્યા

ચીનના જિન્ગશિન્ગ શહેરમાં રહેતા ૭૦ વર્ષના રિટાયર્ડ સૈનિક મા સાન્શિઓએ છેલ્લાં ૧૯ વર્ષ વેરાન અને સૂકી જગ્યાએ વૃક્ષો વાવવામાં વિતાવ્યાં છે. ૧૯૭૪માં જ્યારે તેઓ ચાઇનીઝ આર્મીમાં કામ કરતા હતા ત્યારે જ તેમને અતિગંભીર બ્લડ-પૉઇઝનિંગ થયું હતું. પરિસ્થિતિ ગંભીર થતાં તેમણે સૈન્યમાંથી વહેલા નિવૃત્ત થઈ જવું પડ્યું હતું. ૧૯૮૫માં તેમનો એક પગ કાપી નાખવો પડ્યો અને તેમનું હરવા-ફરવાનું લગભગ બંધ થઈ ગયું. માંદગીને કારણે કોઈ નોકરી મળે એમ નહોતી અને સૈનિકભથ્થું મળતું હોવાથી તેમની સારવાર અને પ્રાથમિક ખર્ચ નીકળી જતો હતો.

એમ છતાં કામ વિના બેસી રહેવાનું તેમને હતાશ કરતું હતું. ૨૦૦૦ની સાલમાં બીજો પગ પણ કપાવવો પડ્યો. એ પછી તેમણે મનોબળ તૂટી જાય એના કરતાં કંઈક પ્રવૃત્તિમાં જોતરાઈ જવાનું નક્કી કર્યું. ગામના છેવાડે આવેલા તેમના ઘરથી થોડે દૂર આવેલા વેરાન પ્રદેશમાં તેમણે વૃક્ષો વાવવાનું શરૂ કર્યું. તેમનો વિચાર હતો કે વૃક્ષો મોટાં થશે એ પછી એનું લાકડું વેચીને તેઓ બે પૈસા કમાશે. જોકે જેમ-જેમ વૃક્ષો મોટાં થતાં ગયાં અને વેરાન પ્રદેશ હરિયાળો થવા લાગ્યો એમ તેમને એ વૃક્ષો વેચવામાં ખચકાટ થવા લાગ્યો. ૨૦૦૦ની સાલમાં તેમણે વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત કરેલી. તેઓ જાતે જ ખાડા ખોદતા, રોપા વાવતા અને નાનાં વૃક્ષોને પાણી પાતા.

આ પણ વાંચો : ચોરી ન શકાય એવી ફિન્ગરપ્રિન્ટવાળી બૅગ આવી ગઈ છે, જેનાથી મોબાઇલ પણ ચાર્જ થશે

ઘૂંટણથી નીચેના પગ ન હોવાથી તેઓ ચાર પગે ચાલીને અને ઢસડાઈને પણ આ કામ કરતા. હરિયાળો પ્રદેશ જોઈને તેઓ પોરસાવા લાગ્યા અને કોઈ એ વૃક્ષો કાપી ન જાય એની ચોકી તેમણે શરૂ કરી. તેમના આ કામની ચીની સરકારે પણ સરાહના કરી અને આ કામ સરળ બને એ માટે નાણાકીય મદદ પણ આપી છે. એમ છતાં આ સૈનિકભાઈ જાતે જ બધું કરે છે, કેમ કે વૃક્ષો વાવવાનું તેમનું પૅશન થઈ ગયું છે.

china offbeat news hatke news