અલાસ્કામાં 2020નો છેલ્લો સૂર્યાસ્ત થઈ ગયો, હવે જાન્યુઆરીમાં સૂર્ય ઊગશે

21 November, 2020 08:06 AM IST  |  Alaska | Gujarati Mid-day Correspondent

અલાસ્કામાં 2020નો છેલ્લો સૂર્યાસ્ત થઈ ગયો, હવે જાન્યુઆરીમાં સૂર્ય ઊગશે

અલાસ્કામાં 2020નો છેલ્લો સૂર્યાસ્ત થઈ ગયો

ભૂગોળની સ્થિતિ અને કુદરતની કરામત અવનવા પ્રયોગોનાં દૃશ્યો સર્જે છે. એક પ્રદેશની ઘટના દૂરના અન્ય પ્રદેશના લોકો માટે આશ્ચર્યજનક બને છે અને ક્યારેક હવામાનમાં ફેરફાર કે કુદરતી આફત જેવાં પરિબળોને કારણે અચાનક થતા ફેરફારો એ જ પ્રદેશના લોકો માટે આશ્ચર્યજનક બને છે. ધ્રુવ પ્રદેશ અને રણ પ્રદેશની અનેક જાણીતી અને અજાણી બાબતો સૌને માટે વિસ્મયનો વિષય છે.

સામાન્ય રીતે દુનિયાના જુદા-જુદા ભાગોમાં ૨૪ કલાકના દિવસમાં સૂર્યોદયના ૧૨ કલાક પછી સૂર્યાસ્ત થાય છે, પરંતુ પૃથ્વીના છેડા પરના પ્રદેશોની સ્થિતિ જુદી હોય છે. દિવસો કે મહિનાઓ સુધી સવાર અને એવી જ રીતે રાત પડતી હોય છે. ઉત્તર ધ્રુવના અલાસ્કા પ્રદેશના ઉટક્વિયાન્ગ્વિકમાં તાજેતરમાં સૂર્યાસ્ત થયો. હવે ત્યાં જાન્યુઆરી મહિનામાં સૂર્યોદય થશે. અમેરિકામાં ઉત્તર દિશાના છેવાડાના અલાસ્કા-ઉટક્વિયાન્ગ્વિકમાં ગયા બુધવારે બપોરે ૧.૩૦ વાગ્યે સૂર્યાસ્ત થઈ ગયો. હવે એ પ્રાંતમાં ૬૫ દિવસ સુધી સૂર્યોદય થવાનો નથી. જાન્યુઆરીમાં સૂર્યોદય થશે ત્યારે અમેરિકામાં ડેમોક્રૅટિક પાર્ટીના નેતા પ્રમુખપદે બિરાજમાન થઈ ચૂક્યા હશે. ઉત્તર ધ્રુવની સર્વસામાન્ય વાર્ષિક ઘટનારૂપે સૂર્યાસ્ત થયા પછી હવે ૨૨ જાન્યુઆરીએ બપોરે ૧.૧૬ વાગ્યે પૂર્ણ સૂર્યોદય થશે. આ બે મહિનાના વખત દરમ્યાન દરરોજ સૂર્ય ક્ષિતિજની નીચે રહેશે અને સવારે ઝાંખો-કૂણો પ્રકાશ દેખાતો રહેશે. ધ્રુવીય દિવસ-રાત અને એને કારણે ઠંડા ટૂંડ્ર પ્રદેશમાં બનતી કરુણ કે આનંદદાયી વિસ્મયકારી ગતિવિધિઓ સાહિત્યિક સર્જન માટે પ્રેરણાદાયક બની શકે છે.

offbeat news hatke news