જાણો કેમ આ ભાઈ બંગલાના આઉટહાઉસમાં કેદી જેવું જીવન જીવે છે

20 November, 2020 07:43 AM IST  |  England | Gujarati Mid-day Correspondent

જાણો કેમ આ ભાઈ બંગલાના આઉટહાઉસમાં કેદી જેવું જીવન જીવે છે

બંગલાના આઉટહાઉસમાં કેદી જેવું જીવન જીવે છે આ ભાઈ

બ્રિટનના નૉર્ધમ્પ્ટનશર પ્રાંતના રોટવેલ શહેરમાં રહેતા ૪૮ વર્ષના બ્રુનો બેરિકને એવું લાગે છે કે તેને ઇલેક્ટ્રિસિટી અને 5Gના તરંગોની ઍલર્જી છે એથી તેણે પોતાના બંગલાના આઉટહાઉસમાં એકલા રહેવાની અલગ વ્યવસ્થા કરી છે. આ પરિસ્થિતિને કારણે બ્રુનોની પત્ની અને ત્રણ દીકરીઓએ પણ ઇલેક્ટ્રિસિટીનો વપરાશ મર્યાદિત કરી દેવો પડ્યો છે. તેઓ ખૂબ ઓછું ટીવી જુએ છે અને લાઇટ-પંખાનો ઉપયોગ પણ મર્યાદિત જ કરે છે. શિયાળામાં ઘરમાં હીટર્સ ચાલુ હોય ત્યારે બ્રુનો તેના બગીચામાં બનાવેલા આઉટહાઉસમાં રહે છે. ઇલેક્ટ્રિસિટીની ઍલર્જી હોવાનો વિચાર બ્રુનોભાઈને ચારેક વર્ષ પહેલાં આવેલો. ચારેક વર્ષ પહેલાં બ્રુનોભાઈને થાક, બળતરા, વજનમાં ઘટાડો અને માથામાં દુખાવો થવા માંડ્યો હતો. પોતાની વ્યાધિઓને સમજવા બ્રુનો અન્ય દેશના ડૉક્ટરોને પણ મળવા ગયો હતો. પોતાની એ સમસ્યાનું નિદાન કરવા માટે તેણે દેશ-વિદેશના ડૉક્ટરોનો સંપર્ક કર્યો, પણ તેને કોઈ ફરક પડ્યો નહીં. તેનું વજન પણ લગભગ ૩૦ કિલો જેટલું ઘટી ગયું. છેવટે તેને પોતાના જેવી જ સમસ્યા ધરાવતો બ્રિટનનો એક યુવક મળ્યો. એ પછી તેને ખ્યાલ આવ્યો કે એ વ્યાધિ ઇલેક્ટ્રો સેન્સિટિવિટી અથવા ઇલેક્ટ્રો મૅગ્નેટિક હાઇપર સેન્સિટિવિટીની વ્યાધિથી પીડાય છે. ઇલેક્ટ્રિસિટી અને હાઈ સ્પીડ ઇન્ટરનેટથી પેદા થતા ઇલેક્ટ્રો-મૅગ્નેટિક તરંગોની ઍલર્જીને કારણે તેને તકલીફ થઈ રહી છે એવું સમજાતાં તેણે આ બધાથી દૂર રહેવાનું શરૂ કર્યું. ટીવી, વાઇ-ફાઇ, ઇન્ટરનેટ વગેરેનો વપરાશ, સંપર્ક અને સંસર્ગ ઘટાડવા માટે તે પોતાના ઘરની બહારના આઉટહાઉસમાં પરિવારજનોથી દૂર રહેવાનું જ પસંદ કરે છે.

offbeat news hatke news international news