મુસ્લિમોએ મસ્જિદની અંદર હિન્દુ યુગલને હિન્દુ વિધિથી લગ્ન કરાવી આપ્યાં

21 January, 2020 08:00 AM IST  |  Kerala

મુસ્લિમોએ મસ્જિદની અંદર હિન્દુ યુગલને હિન્દુ વિધિથી લગ્ન કરાવી આપ્યાં

હિન્દુ કપલ

એક તરફ દેશમાં હિન્દુ-મુસ્લિમના નામે રાજનીતિ રમાઈ રહી છે ત્યારે કેરળમાં એક દુર્લભ કહી શકાય એવો લગ્ન સમારંભ યોજાયો હતો. આ રવિવારે એક હિન્દુ યુગલનાં લગ્ન શાસ્ત્રોક્ત હિન્દુ રીતિરિવાજ સાથે એક મસ્જિદમાં થયાં હતાં.

અલાપુઝા નજીક આવેલા ચેરુવેલી મુસ્લિમ જમાત દ્વારા આ લગ્ન સમારંભ મસ્જિદની અંદર યોજાયો હતો, નવવધૂ અંજુ અને શરત શશીના લગ્નમાં હિન્દુ-મુસ્લિમ બંને કોમના લોકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.

અંજુના પિતાનું ગયા વર્ષે હાર્ટ અટૅકથી મૃત્યુ થયું હતું. પતિના મૃત્યુથી નાણાભીડ અનુભવી રહેલી અંજુની મમ્મીએ મસ્જિદ કમિટી પાસે સહાય માગી હતી. મસ્જિદ કમિટીએ માત્ર સહાય ન કરતાં યુગલના લગ્ન મસ્જિદમાં કરવા કહ્યું હતું. એટલું જ નહીં અંજુને સોનાના ૧૦ સિક્કા અને બે લાખ રૂપિયા રોકડા પણ આપ્યા. લગ્ન સમારંભમાં મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી અને બિરયાનીને બદલે શાકાહારી ભોજન પિરસવામાં આવ્યું.

કેરળના મુખ્ય પ્રધાને સોશ્યલ મીડિયા પર નવયુગલને અભિનંદન આપી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવા બદલ મસ્જિદ કમિટીની પ્રસંશા કરી હતી.

kerala offbeat news hatke news