ડાંગરના ખેતરમાં ખોવાયેલી સોનાની બુટ્ટી વીસ વર્ષે મળી આવી

22 August, 2020 07:59 AM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

ડાંગરના ખેતરમાં ખોવાયેલી સોનાની બુટ્ટી વીસ વર્ષે મળી આવી

ખેતરમાં ખોવાયેલી સોનાની બુટ્ટી વીસ વર્ષે મળી

ખોવાયેલી કોઈ ચીજ પાછી મળે તો એનો આનંદ કંઈ ઓર જ હોય છે. એમાં પણ જો એ ચીજ સોનાની હોય અને એમાં પણ જો એ વર્ષો પહેલાં ખોવાઈ હોય અને પાછી મળવાની આશા જ છોડી દીધી હોય તો. આવી જ અચરજ પમાડતી ઘટના કેરળના કાસરગોડા ગામમાં બની છે.

વર્ષ ૨૦૦૦માં નારાયણી નામની એક મહિલાના કાનની બુટ્ટી તેના ઘરની બહારના ડાંગરના ખેતરમાં ખોવાઈ ગયેલી. નારાયણી અને તેની પાડોશની મહિલાઓએ મળીને અનેક વાર બુટ્ટી શોધી પણ દરેક વખતે નિરાશા સાંપડતાં છેવટે તેમણે પ્રયત્નો છોડી દીધા.

મજાની વાત હવે આવે છે. વીસ વર્ષ પછી સુરક્ષા કેરલમ પ્રોજેક્ટના ભાગરૂપે કેરળના કાસરગોડા જિલ્લાની બેડકા પંચાયતમાં મનરેગા યોજના હેઠળ કેટલીક મહિલાઓ ડાંગરના ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે એમાંની બેબી નામની મહિલાને માટીમાંથી કાનની બુટ્ટી મળી હતી. માટીમાં રગદોળાયેલી હોવા છતાં એ સોનું હોવાની જાણ થઈ ગઈ હતી

બેબી સાથે કામ કરનારી એક મહિલા નારાયણીની દીકરી માલિની હતી. તેણે સોનાની બુટ્ટી ખોવાયાની વાત તેની માતા પાસેથી સાંભળી હતી તેમ જ તેની પાસેની બુટ્ટીની જોડી જોઈ પણ હતી એટલે તે તરત જ બુટ્ટીને ઓળખી ગઈ.

નારાયણીએ લગભગ ૬૦-૭૦ વર્ષ પહેલાં ૨૪ કિલો ચોખાના બદલામાં આ બુટ્ટી ખરીદી હતી. ખોવાઈ એ વખતે આ બુટ્ટીની કિંમત લગભગ ૪૦૦૦ રૂપિયા હતી, પરંતુ આજે એની કિંમત ૪૦,૦૦૦ રૂપિયા થઈ ગઈ છે.

kerala offbeat news hatke news national news